
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં હાથમતી બ્રિજ પર ભારે વાહનોનો પ્રતિબંધ વધુ 60 દિવસ યથાવત્, કલેક્ટરનું જાહેરનામું જાહેર
મોડાસા: અરવલ્લી જિલ્લાના ઈડર–ભિલોડા–શામળાજી રાજ્યમાર્ગ પર આવેલા હાથમતી બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પરનો પ્રતિબંધ વધુ 60 દિવસ માટે યથાવત્ રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મિલિંદ બાપનાએ આ અંગે જાહેરનામું બહાર પાડી તા. 18 જુલાઈ, 2026થી 16 સપ્ટેમ્બર, 2026 સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), અરવલ્લીના કાર્યપાલક ઈજનેરના પત્ર અને કન્સલ્ટન્સી રિપોર્ટના આધારે હાથમતી બ્રિજ ભારે વાહનો માટે અસુરક્ષિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. હાલમાં બ્રિજ પાસે પાકા ડાયવર્ઝન બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજે ત્રણથી ચાર મહિનાનો સમય લાગવાની શક્યતા હોવાથી પ્રતિબંધનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ ભારે વાહનચાલકોએ ઈડર – હિંમતનગર – ગાંભોઈ – શામળાજી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રતિબંધનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા વહીવટીતંત્રે તમામ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવાની સત્તા પણ આપવામાં આવી છે.




