સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની દ્વિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરીય મોડલના મહત્વ અંગે કૃષિ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન અપાયું.સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે ટેકનોલોજીકલ બેકસ્ટોપિંગ વર્કશોપ અને દ્વિમાસિક સમીક્ષા બેઠક તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સરદાર સ્મૃતિ કેન્દ્ર, સરદારકૃષિનગર ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વર્કશોપમાં વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ તેમજ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરવા સાથે કૃષિક્ષેત્રની નવીન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
ટેકનોલોજીકલ બેકસ્ટોપિંગ અંતર્ગત કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. કે. વી. રબારીએ ‘પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરીય મોડલનું મહત્વ’ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીમાં પંચસ્તરીય મોડલની ઉપયોગિતા, કુદરતી સંસાધનોના અસરકારક ઉપયોગ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકોને જાણકારી આપી હતી. ત્યારબાદ વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા છેલ્લા બે માસ દરમિયાન હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી બે માસ દરમિયાન હાથ ધરાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે એક્શન પ્લાન તૈયાર કરવા ચર્ચા અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સહ પ્રાધ્યાપક ડૉ. એમ. કે. જાડેજા અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કલા વી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમજ નવીન કૃષિ ટેકનોલોજીનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મદદનીશ પ્રાધ્યાપક શ્રી કે. ડી. ટાંકોદરાએ ઉપસ્થિત મહાનુભાવો અને વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરી આભારવિધિ કરી હતી તેમ વિસ્તરણ નિયામકની એક યાદીમાં જણાવ્યું છે.






