7 વર્ષની ઉંમરે સાહસની અનોખી સિદ્ધિ : તત્વમ રાવલે 13,000 ફૂટ ઊંચાઈએ બિયાસ કુંડ ટ્રેક પૂર્ણ કરી દિયોદરનું નામ રોશન કર્યું

7 વર્ષની ઉંમરે સાહસની અનોખી સિદ્ધિ : તત્વમ રાવલે 13,000 ફૂટ ઊંચાઈએ બિયાસ કુંડ ટ્રેક પૂર્ણ કરી દિયોદરનું નામ રોશન કર્યું
પોપ
વાવ થરાદ જિલ્લાના દિયોદર ગામના માત્ર 7 વર્ષના તેજસ્વી બાળક તત્વમ યોગેશકુમાર રાવલે હિમાચલ પ્રદેશમાં આવેલ પ્રસિદ્ધ બિયાસ કુંડ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરી નાની ઉંમરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આશરે 13,000 ફૂટ ઊંચાઈ પર આવેલ બિયાસ કુંડ વિસ્તાર બરફાચ્છાદિત પર્વતો, કપરા રસ્તાઓ અને પડકારજનક વાતાવરણ માટે જાણીતો છે.
આવા દુર્ગમ અને સાહસિક માર્ગ પર તત્વમે અદમ્ય હિંમત, આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સફળ પર્વતારોહણ પૂર્ણ કર્યું હતું. માત્ર 7 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ દિયોદર ગામ માટે ગૌરવની બાબત બની છે અને અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.આ સમગ્ર સાહસમાં તક્ષશિલા વિદ્યાલય મહેસાણાના આચાર્ય પુનિતભાઈનું વિશેષ માર્ગદર્શન અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમના પ્રોત્સાહન અને સહકારથી તત્વમને આ પડકારજનક ટ્રેક પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ અને પ્રેરણા મળી હતી.તત્વમના પિતા યોગેશભાઈ રાવલ, માતા નીલમબેન રાવલ, દાદા સ્વ. ધનેશ્વરભાઈ રાવલ તથા દાદીમા મુકતાબેન રાવલે સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી તત્વમને આ સિદ્ધિ સુધી પહોંચાડ્યો હતો.
તત્વમની આ અનોખી સિદ્ધિ બદલ પરિવારજનો, રાવલ સમાજ તેમજ દિયોદર ગામના આગેવાનો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નાની ઉંમરે મોટું સાહસ કરી તત્વમે દિયોદર ગામનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર




