વાવ-થરાદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી: લાખણી હિંગળાજ માતાજીના મંદિર પ્રાગણમાં યોજાઈ સફાઈ ઝુંબેશ

12 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે લાખણી ખાતે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં વિશેષ સ્વચ્છતા અભિયાન
‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ’: લાખણીમાં મહાનુભાવો, અધિકારીઓ અને ગ્રામજનોએ ભેગા મળીને કર્યું શ્રમદાન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના’ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના ઉદાત્ત સંકલ્પ સાથે વાવ-થરાદ જિલ્લામાં આગામી તારીખ ૧૪ જૂન ૨૦૨૬ સુધી વિશેષ ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ની વ્યાપક ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્રામીણ સ્તરે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવા અને પર્યાવરણને પ્લાસ્ટિકના દૂષણથી મુક્ત કરવાના મુખ્ય હેતુ સાથે આ દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત લાખણી ખાતે આવેલા પવિત્ર હિંગળાજ માતાજીના મંદિર પ્રાગણમાં એક વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ અને જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ અને જિલ્લા કારોબારી સદસ્યશ્રી ધુખાજી ઠાકોર સહિત લાખણી તાલુકાના અગ્રણી હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં વ્યાપક સફાઈ હાથ ધરીને શ્રમદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.આ સફાઈ ઝુંબેશમાં લાખણી મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતનો કર્મચારીગણ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર હાજર રહીને સમગ્ર મંદિર પ્રાંગણની સફાઈ કરી હતી અને એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણના જતન માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.







