રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ: ખાદી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે થરાદના શિવનગરની મુલાકાત લઈ કારીગરો સાથે કર્યો સંવાદ

8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા ખાદી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જાતે ખાદીનું શર્ટ ખરીદીને કારીગરોનો ઉત્સાહ વધાર્યો.ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા ખાદી અને હસ્તકલાના કારીગરોની પડખે ઊભી છે રાજ્ય સરકાર:- મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે અવસરે દેશવાસીઓને હેન્ડલૂમ ઉત્પાદનો ખરીદીને ગ્રામીણ કારીગરોની આવક વૃદ્ધિમાં સહભાગી બનવા સાથે આપણા સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક અને કલાત્મકતા સાથે ગ્રામીણ અર્થતંત્રનો આધાર બની રહેલા હાથવણાટ- હાથસાળ ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ’ થકી વિશ્વ બજાર સુધી પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની નેમ છે.આ જ શૃંખલામાં ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા રાજ્યના ખાદી, ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર થરાદના શિવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે તેમણે ખાદી, હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તથા સ્વસહાય જૂથોની કામગીરીનું નિરીક્ષણ કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત કાર્યરત છે. રાજ્યના કારીગરો દ્વારા તૈયાર થતા ખાદી અને હસ્તકલાના ઉત્પાદનો રોજગારીની સાથે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતિક છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, તહેવારો અને શુભ પ્રસંગોમાં સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપી તેની ખરીદી કરવી, જેથી સ્થાનિક કારીગરોનું જીવનધોરણ વધુ મજબૂત બને.આ પ્રસંગે મંત્રીશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને વ્યવહારમાં પણ ઉતાર્યો હતો. તેમણે શિવનગર ખાતે સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ખાદીનું એક શર્ટ પોતાના માટે ખરીદી કરીને કારીગરોનું પ્રોત્સાહન વધાર્યું હતું. મંત્રીશ્રીના આ લોકભોગ્ય પગલાને ઉપસ્થિત કારીગરો અને આગેવાનો દ્વારા વધાવવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કારીગરોને તાલીમ, માર્કેટિંગ, નાણાકીય સહાય તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં ખાદી અને હસ્તકલા ક્ષેત્ર રોજગારીનું મહત્વનું સાધન બની શકે છે. સ્થાનિક મેળાઓ, પ્રદર્શનો તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કારીગરોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.આ કાર્યક્રમ દરમિયાન અગ્રણી શ્રી જયમીનભાઈ પ્રજાપતિ, શ્રી પ્રકાશભાઈ વ્યાસ, શ્રીમતી કલાવતીબેન રાઠોડ સહિત કારીગરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









