પાલનપુરના બાદરગઢ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી

24 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના બાદરગઢ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી શાળામાં 46 નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય આશાબેન વણસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના બાદરગઢ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં નવા પ્રવેશ લેનારા 46 નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોના હસ્તે તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે શાળામાં નિર્મિત સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ શાળા પરિસરમાં મહેમાનો અને વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોના જતન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં માનનીય પ્રવિણા ડી. કે. (મેનેજિંગ ડાયરેક્ટર, જીઆઈડીસી ગાંધીનગર), પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, અભિષેક પરીખ (ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ પાલનપુર), અનીશાબેન પ્રજાપતિ (શિક્ષણ નિરીક્ષક), લાયઝન ઓફિસર મહમદઅલી પોલરા, મીનાબેન પટેલ, સીડીપીઓ તથા એસએમસીના સભ્યો, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્ઞાન સેતુ પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા તેમજ ધોરણ 3 થી 5માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના વિકાસ અને શૈક્ષણિક કામગીરીને જોઈ ઉપસ્થિત મહેમાનો અભિભૂત થયા હતા અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.શાળાના હરિયાળા વાતાવરણ માટે વિશેષ કામગીરી કરનાર શિક્ષક મહમદઅલી જુણકિયા અને હરિભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રેષ્ઠ વર્ગ શિક્ષક તરીકે રમણભાઈ, શિલ્પાબેન અને નાજનીનબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય આશાબેન વણસોલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





