ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા 61 શાળાઓના 16,832 વિદ્યાર્થીઓ વચ્ચે “ગુરુવંદન છાત્ર અભિનંદન 2026” કાર્યક્રમનું સફળ આયોજન

4 ઓગસ્ટ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર: ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે “ગુરુવંદન – છાત્ર અભિનંદન 2026” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિનું જતન થાય, ગુરુ-શિષ્ય પરંપરાનું ગૌરવ જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના ગુરુ પ્રત્યે આદર અને સંસ્કારની ભાવના વિકસે તેવા પવિત્ર ઉદ્દેશ સાથે તા. 27 જુલાઈથી 3 ઑગસ્ટ, 2026 દરમિયાન સતત સાત દિવસ સુધી પાલનપુર અને આસપાસની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા.
આ અભિયાન અંતર્ગત કુલ 61 શાળાઓમાં કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શિક્ષણ, રમતગમત તેમજ અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 409 વિદ્યાર્થીઓને તેમજ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર 100 શિક્ષકોને ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કુલ 16,832 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરવામાં આવ્યું હતું તેમજ ગુરુના મહિમા, ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ભારત વિકાસ પરિષદના સેવા, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણના વિવિધ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાખા પ્રમુખ લાલજીભાઈ, શાખા મંત્રી રમેશભાઈ, કાર્યક્રમ સંયોજક હર્ષદભાઈ જોશી તથા સહમંત્રી મહેશેન્દ્રભાઈ મોદીએ સતત આયોજન, સંકલન અને અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમમાં શાખાના મોટી સંખ્યામાં સભ્યો તથા મહિલા સભ્યોએ વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમને તમામ શાળાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોએ ભારત વિકાસ પરિષદના આ સંસ્કારલક્ષી કાર્યક્રમની હાર્દિક પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સારા નાગરિક બનવાના સંસ્કારોનું સિંચન કરે છે.









