પ્લાસ્ટિકનું દાયકાઓ સુધી વિઘટન થતું નથી, વન્યસૃષ્ટિને અસર કરવાની સાથે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તેમ જણાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળના સેન્ટર ઓફ એક્સેલન્સ-વાઇલ્ડ લાઇફના ડાયરેક્ટર શ્રી નિશીથ ધારૈયાએ ખાસ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને પ્લાસ્ટિકના ઉપયોગ અને સાથે લાવવા માટે ‘ના’ કહી છે. આ સંદર્ભે તેમણે વધુ જાણકારી આપતા કહ્યું કે, ગિરનારની પવિત્રતા જળવાઈ તે આપણી સૌનું પરમ કર્તવ્ય છે, શ્રદ્ધાની સાથે પર્યાવરણ માટે પણ ફરજ નિભાવીએ. ખાસ કરીને ગિરનારી મહારાજને દેવ માની પૂજા કરતા હોય ત્યારે આપણે હિમાલયથી પણ જુના ગિરનારના જતન સંવર્ધનની આપણી નૈતિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, પ્રકૃતિ પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક છે તે સર્વવિદિત છે, ત્યારે ખાસ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ખરું જ પણ રોજબરોજના જીવનમાં પણ પ્લાસ્ટિકના વિકલ્પનો વિચાર કરવો પડે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જરૂરી સામાન ભરવા માટે કાપડની થેલી અને પીવાના પાણી માટે કાચ કે સ્ટીલના ઉપયોગ કરવો જ વિતાવહ રહે છે. તેમણે ગીરનાર લીલી પરિક્રમામાં પધારતા યાત્રિકોને કચરો પણ જ્યાં ત્યાં ન ફેકવાનો અનુરોધ કરતા, કચરાનો યોગ્ય નિકાલ થાય તેની તકેદારી લેવા પણ અપીલ કરી હતી. ગિરનારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે વહીવટી તંત્ર, વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ કામ તો કરે જ છે, પરંતુ આપણે પણ તેમાં સહભાગી બની, સહયોગ આપવો જ રહ્યો. તેમ શ્રી ધારૈયાએ જણાવ્યું હતું. વાઇલ્ડ લાઇફ સેન્ટર ખાતે દ્વિઅંગી વનસ્પતિ પર પીએચડી કરી રહેલી ભાગ્યશ્રી ડાંગર પણ કહે છે કે, સંશોધન અર્થે અવારનવાર ગિરનાર અભયારણ્યની મુલાકાત લેવાની થતી હોય છે. ત્યારે અવલોકનમાં સામે આવ્યું છે, પ્લાસ્ટિક વનસ્પતિના વિકાસમાં અવરોધરૂપ છે. તેમણે ખાસ પ્લાસ્ટિકના નાના નાના ટુકડાઓ પણ જંગલમાં ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, સેન્ટર ઓફ એક્સેલન્સ- વાઇલ્ડ લાઇફ દ્વારા ગિરનાર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વન્ય સૃષ્ટિનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે. તેના માટે સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ