સફેદ નશાના કાળા કારોબાર માટે રેડ કાર્પેટ બનતું ભરૂચ, 4 વર્ષમાં રૂ.8 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું !
(ફાઇલ તસવીર)
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ફૂલી ખાલી રહી છે. ભરૂચ જાણે સફેદ નશામાં કાળો કારોબાર એટલે કે ડ્રગ્સના ગોરખધંધાનો હબ બની રહ્યું છે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરતું ભરૂચ
ડ્રગ્સનો કાળો કારોબાર પણ વધ્યો
કંપનીઓમાં ચાલે ડ્રગ્સ બનાવવાનો ગોરખધંધો
ડ્રગ્સની હેરાફેરી માટે પણ ભરૂચ આશ્રય સ્થાન
4 વર્ષમાં રૂ.8 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ફૂલી ખાલી રહી છે. ભરૂચ જાણે સફેદ નશામાં કાળો કારોબાર એટલે કે ડ્રગ્સના ગોરખધંધાનો હબ બની રહ્યું છે. એક અંદાજ મુજબ ભરૂચ જિલ્લામાંથી છેલ્લા ચાર વર્ષ દરમિયાન રૂ.8 હજાર કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે આ બેલગામ કાળા વેપાર પર લગામ કસવા પોલીસ પણ કમર કસી રહી છે.જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટ
ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલો ભરૂચ જિલ્લો હવે ડ્રગ્સના ઉત્પાદન અને તેની હેરાફેરી માટે પણ નશાના માફિયાઓ માટે અનુકૂળ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ટૂંકા ગાળાના સમયમાં જ ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સ ઉત્પાદન કરતી કંપનીઓ સાથે ડ્રગની હેરાફેરીના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જીવન રક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં સફેદ નશાના કાળો કારોબાર ફુલયો ફાલ્યો છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં જ અંદાજે રૂ.8 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે જે દેશમાં ડ્રગ્સના વધી રહેલાં સેવન તરફ ઇશારો કરી રહયું છે. પહેલાં મેટ્રો સીટી સિમિત રહેલો ડ્રગ્સનો વેપલો નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે ત્યારે વાત કરીએ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ઝડપાયેલ ડ્રગ્સના સૌથી મોટા કારોબારની
1. વર્ષ 2022, મહિનો ઓગસ્ટ-સ્થળ પાનોલી
ઓગષ્ટ 2022માં પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી 1,400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.મુંબઇ ANC (એન્ટી નાર્કોટિક્સ સેલ) ટીમે પનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી 1400 કરોડની મત્તાનો કુલ 513 કિલો ડ્રગ્સ જથ્થો જપ્ત કર્યો હતો.મુંબઇની ટીમ સાથે ભરૂચ એસઓજીની ટીમ પણ જોડાઇ હતી.
2. વર્ષ 2022,મહિનો ઓગસ્ટ- સ્થળ સાયખા
વડોદરાના સાવલીના મોક્સી ગામની સીમમાંથી કેમિકલ ફેક્ટરીની આડમાં બનતો ૨૨૫ કિલોગ્રામ રૂપિયા ૧૧૨૫ કરોડની કિંમતનો મેફેડ્રોન (એમડી)નો જથ્થો ગુજરાત એટીએસએ ઝડપી પાડયો હતો.આ
મેફેડ્રોન લીક્વીડ ફોર્મમાં ભરૂચના સાયખાની વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમાં લાવી તેને સૂકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું
3. વર્ષ 2024,મહિનો ઓગસ્ટ-સ્થળ દહેજ
દહેજની એલયાન્સ ફાર્મા કંપનીમાંથી 32 કરોડ ઉપરાંતનું ડ્રગ્સ ઝડપાયું હતું. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ગુજરાત એટીએસ તેમજ ભરૂચ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કુલ 32 કરોડની મત્તાનું ઇન્ટર મિડીયેટનો જથ્થો ટીમે જપ્ત કર્યો હતો.
4. વર્ષ 2024, મહિનો ઓક્ટોબર-સ્થળ અંકલેશ્વર
અંકલેશ્વરની આવકાર કંપનીમાંથી કુલ 5 હજાર કરોડની કિંમતનું 562 કિલોનું ડ્રગ્સ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું હતું. આવકાર ડ્રગ્સ લિમિટેડ નામની કંપનીમાંથી આ 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને આ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું હતું.આ મામલામાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
5. વર્ષ 2024, મહિનો ઓક્ટોબર-સ્થળ-અંકલેશ્વર
સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડીરાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ મામલામાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
6. વર્ષ 2024,મહિનો નવેમ્બર-સ્થળ- ભરૂચ
ભરૂચ પોલીસે માહિતીના આધારે દિલ્હી મુંબઇ એક્સપેક્ષ વે પરથી એક ઇનોવા કારમાંથી એમડી મફેડ્રોનના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.પોલીસે એમડી ડ્રગ્સ કિંમત રૂ.18 લાખ સાથે કુલ રૂ.20.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ડ્રગસનો આ જથ્થો મુંબઈથી રવાના થયો હતો જેને ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો. મામલામા રઉફ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસની એક ટીમ મુંબઈ અને ઇન્દોર રવાના કરવામાં આવી છે.ઝડપાયેલા 3 પૈકી એક આરોપી પોલીસ રિમાન્ડ પર છે જ્યારે 2 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સ વધુ પ્રમાણમાં ઝડપાવવાના મામલામાં જાણકરોના મત મુજબ પહેલાં નાના શેડમાં જાતે મટીરીયલ લાવીને ડ્રગ્સ બનાવવામાં આવતું હતું પણ હવે ડ્રગ્સનો વ્યાપ ઝડપથી વધતાં માગમાં વધારો થયો છે.આ જ કારણોસર હવે માફિયાઓ નાના શહેરોમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાવી રહયાં છે. ડ્રગ્સને મેડિકલ મટીરીયલ તરીકે એક સ્થળેથી બીજા સ્થળે મોકલવું સરળ બની જાય છે. જોકે પોલીસને અસરકારક કામગીરીના કારણે ભરૂચમાંથી અનેકવાર ડ્રગનો મોટો કાળો કારોબાર ઝડપાયો છે.