ભરૂચ: સાંજે પ-૦૦ કલાક સુધીમાં જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ત્રણેય બેઠકો ઉપર કુલઃ ૪૭.૪૦ટકા મતદાન નોંધાયું



સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા સ્વરાજય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો અંગે રાજયની મહાનગરપાલિકા/ નગરપાલિકા/ જિલ્લા/ તાલુકા પંચાયતની ચૂંટણી-૨૦૨૫ નો કાર્યક્રમ જાહેર કરેલ છે. અને તે મુજબ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં ચૂંટણીપંચ અને જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન આજ રોજ સવારે ૭-૦૦ કલાકથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઇ હતી. ભરૂચ જિલ્લાની ત્રણેય બેઠકોની પેટા ચૂંટણીમાં કુલ ૫૦ મતદાન મથકો ઉપર, મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ- ૨૯૦ મતદાન સ્ટાફ ધ્વારા નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧માં ૪૭૮૩, જિલ્લા પંચાયત (૧- આછોદ )માં ૩૨૪૯૮, અને હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ )માં ૨૯૪૯ મળી કુલ ૪૦૨૩૦ મતદારો માટે મતદાન ચાલી રહયું છે. લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન ચૂંટણીમાં મતદારો શાંતિમય વાતાવરણમાં પોતાના મતદાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા વહીવટીતંત્રે સંપૂર્ણ આયોજન હાથ ધરેલ હતું. જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમમાંથી મળેલી માહિતી મુજબ સાંજે પ-૦૦ વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા ઉકત ત્રણેય બેઠકોની ચૂંટણીમાં કુલ ૪૭.૪૦ ટકા મતદાન નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણીમાં સાંજે પ-૦૦ વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વિગતો નીચે મુજબ છે.
ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૪૭૮૩ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૨૦૯૧ મતદારોએ મતદાન કર્યું હતું. તે સાથે ૪૩.૭૨ મતદાનની ટકાવારી નોંધાઇ છે. જિલ્લા પંચાયત (૧- આછોદ (તા.આમોદ ) બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૩૨૪૯૮ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૧૪૬૩૯ મતદારોએ મતદાન કર્યું હતું. તે સાથે ૪૫.૦૫ મતદાનની ટકાવારી નોંધાઇ છે. જયારે હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૨૯૪૯ મતદારો નોધાયેલા તે પૈકી ૨૩૩૮ મતદારોએ મતદાન કર્યું છે અને ૭૯.૨૮ મતદાનની ટકાવારી નોંધાઇ છે. આમ, જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર કુલ ૪૦૨૩૦ મતદારો નોંધાયેલા હતા તે પૈકી સાંજે પ-૦૦ કલાક સુધીમાં ૧૯૦૬૮ મતદારોએ મતદાન કર્યું છે. અને સરેરાશ કુલ ૪૭.૪૦ મતદાનની ટકાવારી નોંધાઇ છે.


