BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ એ ડિવિઝન પીઆઈની અંકલેશ્વર બદલી, સવા વર્ષની સેવા બાદ સ્ટાફે આંખોમાં આંસુ સાથે ફૂલોની વર્ષા કરી વિદાય આપી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ. ગડરિયાએ અંદાજીત સવા વર્ષ જેટલી ફરજ બજાવી હાલમાં તેમની બદલી અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ મથકમાં થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં પોલીસે સ્ટાફે ફૂલોની વર્ષા અને આંખોમાં આંસુ સાથે ભવ્ય વિદાય આપી હતી.

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બહોળો વિસ્તાર આવેલો છે તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે.તેવામાં સવા વર્ષ પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વી.યુ.ગડરિયાની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઈ હતી.મળતીયો સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વી.યુ.ગડરિયાએ તેમના વિસ્તારના લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી.

શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડે પગે હાજર રહીને તેમનો જુસ્સો વધારતા જોવા મળ્યા છે જેના કારણે તેઓ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા.જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ જિલ્લાના પાંચ પીઆઈઓની આંતરિક બદલી કરતાં એ ડિવિઝન પીઆઈ વી.યુ.ગડરિયાની પુનઃ અંક્લેશ્વર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી.જેથી ગતરોજ સાંજના સમયે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહીને વી.યુ.ગડરિયાની કામગીરીના સ્મરણો વાગોળ્યા હતાં.જ્યારે આખરે તેઓ તેમની કેબિનમાંથી બહાર આવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ ફૂલોની વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી.આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડી કોઈ પણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસે કર્મીઓ ભાઈઓ અને બહેનોની આંખો ભીની થઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!