ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની માનવીય સંવેદનાસભર અનોખી પહેલ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ બાળકોનો શૈક્ષણિક અભ્યાસ ના બગડે તે હેતુસર દરેક શિક્ષકને સત્રનો લાભ આપી નિવૃત કરવાની જોગવાઇ છે, જે સબબ શિક્ષકશ્રીઓ જે તે વર્ષની ૩૧ મે અને ૩૦ ઓકટોબર ના રોજ નિવૃત થતા હોય છે. પોતાના જીવનના ૩૦ થી ૩૫ વર્ષો પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ માટે હોમી દેનારા શિક્ષકો જ્યારે નિવૃત થાય ત્યારે તેમના નિવૃતિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એક સાથે એક જ જગ્યા તાત્કાલિક આપવા માટે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે આજ રોજ ભરૂચ જિલ્લાના નિવૃત શિક્ષકો સમારોહ યોજયો હતો, જેમા ૫૫ જેટલા નિવૃત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃતિના તમામ લાભો આપવામાં આવ્યા. જિલ્લાના તમામ નિવૃત શિક્ષકોના પેન્શન, ગ્રેજ્યુઇટી જેવા તમામ લાભો નિવૃતિ બીજા જ મહિનાથી મળનાર છે. આ સમારોહમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના સેવાકીય લાભ આપવાના આ અનોખા સમારોહને સંગઠનના મિત્રોએ ખુબ ઉત્સાહથી આવકાર્યો હતો. જિલ્લા સંગઠનના મિત્રોએ ખાસ તમામ નિવૃત શિક્ષકોના સ્વાગત અને ભોજનની વ્યવસ્થા કરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી