મુન્શી વિદ્યાધામ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

સમીર પટેલ, ભરૂચ
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ, મુન્શી મહિલા બી.એડ. કોલેજ તથા હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ.ના સંયુક્ત ઉપક્રમે મુન્શી વિદ્યાધામ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઇરફાન મુન્શી શિશુવિહારનાં શિક્ષિકા શ્રીમતી ફરજાના બહેન જાકીરભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાન અને દેશભક્તિના માહોલ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાનશ્રીએ પોતાના સંબોધનમાં આજના રાષ્ટ્રીય પર્વના મહત્વ પર પ્રકાશ પાડતાં દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા, દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા તથા શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય તે માટે સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત, સંસ્કાર અને દેશપ્રેમ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે તેમણે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટનો આ સુંદર અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌમાં દેશભક્તિ તથા રાષ્ટ્રીય ગૌરવની ભાવના સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.




