ભરૂચમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:સ્વિફ્ટ કારમાંથી 7.47 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો, 5 ફરાર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસે મઢુલી સર્કલ પાસેથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે સ્વિફ્ટ કાર (GJ-16-DS-4501)માંથી કુલ રૂ. 7.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે એ.બી.સી. સર્કલથી જંબુસર બાયપાસ તરફ જતી કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 20 બોક્સ મળ્યા હતા. આ બોક્સમાંથી કુલ 516 નંગ દારૂની બોટલ અને બીયરના ટીન મળ્યા છે, જેની કિંમત રૂ. 1.27 લાખ છે. આ ઉપરાંત બે મોબાઇલ (કિંમત રૂ. 20 હજાર) અને કાર (કિંમત રૂ. 6 લાખ) મળીને કુલ રૂ. 7.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કારમાંથી વાગરા તાલુકાના રહાદ ગામના ઇમરાન મોહંમદ ઇસ્માઇલ પટેલને પકડવામાં આવ્યો છે. આ કેસમાં સુરતના દિવ્યેશ કાલરીયા અને રાજુ મારવાડી તેમજ ભરૂચના અન્નુ દિવાન, ચિરાગ મિસ્ત્રી અને યોગેશ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આગામી હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ ચાલી રહી છે. એ ડિવીઝન પીઆઈ વી.યુ.ગડરીયા અને પો.સ.ઈ એ.વી.શિયાળીયાની ટીમે આ કામગીરી કરી છે. આરોપી સામે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.