ભરૂચ શહેરના ચાવજ રોડ વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત બે ઇસમોએ ભારે હંગામો મચાવતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના ચાવજ રોડ વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત બે ઇસમોએ ભારે હંગામો મચાવતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચોવચ ‘છોટા હાથી’ ટેમ્પો ઊભો રાખી બંને શખ્સોએ વાહનવ્યવહાર ખોરવી નાખ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, ચાવજ રોડ પર આવેલી વીડિયોકોન કંપની નજીક બે ઇસમો ‘છોટા હાથી’ ટેમ્પો લઈને આવ્યા હતા. દારૂના નશામાં હોવાનું કહેવાતા બંને શખ્સોએ ટેમ્પો રોડ વચ્ચે આડો ઊભો રાખી દીધો હતો, જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બંનેએ રસ્તા પરથી પસાર થતા લોકો સામે બૂમાબૂમ અને ગાળાગાળી શરૂ કરી હંગામો મચાવ્યો હતો.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવક સાથે બંને ઇસમોએ ઝઘડો કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે દારૂડિયાઓએ યુવકને રસ્તા વચ્ચે રોકી તેની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, ટેમ્પોમાંથી કાતર કાઢી યુવકના વાળ કાપી નાખતા સમગ્ર ઘટનાએ ચકચાર જગાવી છે. જાહેરમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં નશામાં ધૂત શખ્સો દ્વારા યુવક સાથે ગેરવર્તન અને હંગામો કરવામાં આવતો હોવાનો દ્રશ્ય જોવા મળી રહ્યો છે.
ચાવજ રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં મધરાતે બનેલી આ ઘટનાએ પોલીસની નાઈટ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે સ્થાનિક પોલીસ વાયરલ વીડિયો આધારે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




