BHARUCHNETRANG

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

ભરૂચ : દરવર્ષે અદાણી સમૂહના સ્થાપક ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે ઉજવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓ આ દિવસને સેવા માટે સમર્પિત કરતાં હોય છે. અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાળીયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી કોટવાળીયા સમુદાયના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગૌતમ અદાણીના જન્મદિવસ પૂર્વે આયોજીત કાર્યક્રમમાં આદિજાતિ રિસર્ચ & ટ્રેનિંગ-ગાધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.સી.સી.ચૌધરી, તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ  વસુધાબેન વસાવા, નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર રણજીતસિંહ વસાવા, અદાણી પોર્ટ-દહેજના મરીન હેડ કેપ્ટન ગિરીશચંદ્ર, સિક્યુરિટી હેડ, મોજા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ચંદુભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

 

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા વર્ષ ૨૦૨૨ બાદ કરાયેલા વિવિધ કાર્યોની વિગત દર્શાવતી પુસ્તિકાનું વિમોચન દહેજ સાઇટના સંયોજક યોગેશ મેઘપરા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

ડૉ.સી.સી.ચૌધરીએ અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારમાં કરાઈ રહેલા કાર્યો અંગે રાજીપો વ્યક્ત કરતા કામગીરીને બિરદાવી હતી. તેમણે સરકારી યોજનાઓમાં હસ્તકલાને લગતી વિવિધ યોજનાઓ, કોટવાળીયા સમુદાય દ્વારા બનતી વસ્તુઓના વેચાણની યોજનાઓ, આદિજાતિના યુવાનોને વિદેશ અભ્યાસ માટે 25 લાખની લોન, પાયલોટના કે ઉચ્ચ અભ્યાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.

 

આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજના માટે ઉપયોગી કોટવાળીયા સમુદાયના ૧૪૦ લાભાર્થીઓના આર્ટીઝન કાર્ડનું વિતરણ પણ કરાયુ હતું. કોટવાળીયા સમુદાય માટે બનેલા વિશેષ તાલીમ કેન્દ્રના દસ્તાવેજને ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!