બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૩/૦૯/૨૦૨૪
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ ડબ્બા ફળિયામાં અમરાવતી નદીના કિનારે આવેલ નેત્રંગ ગ્રામ પંચાયતના વારીગૃહના કુવામાં ગટર અને નદીનું પાણી જતું હોવાથી કુવાનું પાણી દૂષિત થઈ ગયું હતું જેને લીધે છેલ્લા ત્રણ દિવસમાં ૧૨ થી ૧૫ જેટલા લોકોને આ દૂષિત પાણી પીવાથી ઝાડા અને ઉલ્ટીની સમસ્યા થઈ ગઈ હતી. આ દર્દીઓ હાલ નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા અને વધુ સારવાર માટે રાજપીપળા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. પરંતુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા વધી જતા તેમને સારવાર કરવા માટે જરૂરી બોટલો પણ પૂરી થઈ જતા મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. ઝાડા અને ઉલ્ટીના સતત કેસ નોંધાતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ નેત્રંગ મામલતદારને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમને સાથે ચકાસણી કરીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેત્રંગ ટાઉનમાં ગંભીર પ્રકારની બેદરકારીનું જવાબદાર કોણ…? ત્યારે સામે સરકારી દવાખાનામાં પણ દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
બોક્સ :-
નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક આવેલ વારીગ્રહનો કુવો અમરાવતી નદીના કિનારે છે તેની બાજુમાંથી ગટર પણ નદીમાં ભળે છે .જે ગંદુ પાણી કુવામાં જતું હોવાથી તાત્કાલિક સરપંચ નેત્રંગને બોલાવી કુવામાં ગંદુ ગટરનું પાણી જતું બંધ કરાવવા આદેશ આપ્યા છે. લોકોના આરોગ્યની ચિંતા પંચાયતે કરવી જોઈએ બેદરકારી નહીં ચલાવી લેવાય તેવું કડકપણે સૂચન કર્યું છે .
રીતેષ કોંકણી નેત્રંગ મામલતદાર
બોક્સ :-
નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઠ જેટલા પેશન્ટ એક સામટા આવી ગયા છે ઝાડા ઉલ્ટીના જેની સારવાર ચાલુ છે. પેશન્ટ વધારે આવી જતા મેટ્રો બોટલનો સ્ટોક પૂરો થઈ ગયો છે હાલ દવાથી સારવાર ચાલુ છે અને મેટ્રો બોટલ આજુબાજુના પીએસસીમાંથી મંગાવી લેવામાં આવ્યા છે.બીજો ઓર્ડર આપી દેવાયો છે જે 2 થી 3 દિવસમાં આવી જશે .
ડોક્ટર શિલ્પા સીએચસી નેત્રંગ
બોક્સ :-
નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ પેશન્ટ છે એવું અમારા ગણેશ વસાવાએ કહ્યું છે અને ત્રણ દિવસમાં કુલ 8 દર્દી આવેલા છે. ડબ્બા ફળિયામાં નદી પાસે કૂવો છે. તેમાં નદીનું પાણી જાય છે. અમે મામલતદાર અને એચડીએમને જાણ કરી છે .જેમણે જાતે ચેક કરી લીધું છે. પાણીનું સપ્લાય બંધ કરી કુવામાં ક્લોરીનેશન કર્યું છે .
ડોક્ટર એ.એન.સિંઘ તાલુકા હેલ્થ ઓફિસર નેત્રંગ