BHARUCHNETRANG

કર્ણાટકની જ્વેલરી શોપમાં ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ગેંગને નેત્રંગ પોલીસે દબોચી…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ

કર્ણાટક રાજ્યના કિટ્ટુર ખાતે સોનીની દુકાનમાંથી લાખોની ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ટોળકીને નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 15 મી ઓગસ્ટના નિમિત્તે યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ડ્રોન કેમેરા અને સઘન સર્ચ ઓપરેશનની મદદથી 3 ઘરફોડ ચોરોને દબોચી લીધા હતા અને કુલ ₹9.72 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

14 ઓગસ્ટના રોજ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારા અને ટીમ વાહન ચેકિંગમાં હતી. તે સમયે ડેડિયાપાડા તરફથી આવી રહેલી એક સફેદ કલરની i20 કારને રોકવાનો પ્રયાસ કરાતાં, તેમાં સવાર ઇસમોએ કાર ભાગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક પીછો કરી સામેથી આવતાં વાહનોની આડ કરાવી રસ્તો બ્લોક કરી દીધો હતો. કાર અટકતાં જ 4 ઇસમો કારમાંથી ઊતરીને જંગલ અને નદી તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે ડ્રાઇવર સીટ પર બેઠેલા એક ઇસમ દિલીપસિંહને પોલીસે સ્થળ પર જ ઝડપી લીધો હતો.

ભાગી છૂટેલા આરોપીઓને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી થવા, મંડાળા, સેજપુર, ખરચીપાડા, ખાબજી ભરાડા તેમજ કરજણ નદીના પટમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન ભાગેલા આરોપીઓ પૈકી વધુ બે ને શોધી લેવાયા હતા.

કારની તલાશીમાં સોના-ચાંદી તથા જર્મન ધાતુના વિવિધ દાગીના, ભગવાનની નાની-મોટી મૂર્તિઓ અને દીવાની થાંભલીઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલાગવી જિલ્લાના કિટ્ટુર ખાતે સોનીની દુકાનમાંથી આ ચોરી કરી હતી.

નેત્રંગ પોલીસે રાજસ્થાનના દિલીપસિંહ દેવીસિંહ લાલસિંહ રાવત, નારસિંહ ઉર્ફે પવન જેન્તુસિંહ તેજસિંહ રાવત અને MP ના અર્જુનસિંહ શિવસિંહ એકલિંગસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે લોકેશ બયલ અને રામસા ગુર્જરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે પોસ્કો, NDPS સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.

Back to top button
error: Content is protected !!