રાજકોટ ગ્રામ્ય LCBની ટીમને અંકલેશ્ર્વર પાસે અકસ્માત: HCનું મોત, 4 ઘાયલ
સમીર પટેલ, અંકલેશ્ર્વર
રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્ર્વર પાસે અકસ્માત નડ્યો હતો. આ આ અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયુ હતું. જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક અંકલેશ્ર્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં અંકલેશ્ર્વર અને ભરૂચ પોલીસ તાત્કાલીક મદદ અર્થે દોડી ગઈ હતી.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેટા રહેતા અરવિંદસિંહ જાડેજા, જેતપુર રહેતા દિવ્યેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપીંડીની તપાસમાં સુરત ગયા હતાં જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોય જેથી છેતરપીંડીની તપાસમાં ગયેલ ટીમ આ આરોપીને લઈ રાજકોટ પરત આવતી હતી. ત્યારે સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્ર્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું. જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવતા હતા તે આરોપી વિજય પરમારને ઈજા થઈ હતી. આ તમામને સારવાર માટે અંકલેશ્ર્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠૌડ તેમજ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્ર્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી હતી. મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
પતરાં કાપીને ઈજાગ્રસ્તો અને મૃતદેહને બહાર કઢાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાછળ ઘુસી ગયેલી કાર બુકડો બોલી ગઈ હતી. અને જેના કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ ગઈ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયું હોય જ્યારે ઈજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા જેથી મૃતક અને ઈજાગ્રસ્ત અરવિંદસિંહ, દિવ્યેસભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરની મદદથી પતરુ કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા.