ભરૂચની વી.સી.ટી કન્યા શૈક્ષણિક સંકુલ માં સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન
સમીર પટેલ, ભરૂચ
વિજ્ઞાન અને ટેકનોલોજી ના અભ્યાસ માં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ, મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણાવતાં શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 4 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સોલર સિસ્ટમ, વેસ્ટ વોટર ટર્મિનેટ, એસિડ રેન, વેસ્ટ ફુડ મેનેજમેન્ટ તેમજ વાતાવરણ અને તેના આવરણો વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રમુખ પદે જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રોફેસર અને રસાયણશાસ્ત્ર વિભાગના એચ.ઓ.ડી. ડૉ.મુજીબુરરેહમાન પ્યારેસાહેબ પીરઝાદા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. પ્રદર્શનમાં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ નિહાળતા તેઓએ પોતાના વક્તવ્યમાં શાળાના ભૂલકાઓની મહેનતને બિરદાવતા કહ્યું કે વિજ્ઞાન વિષયમાં વી.સી.ટી.ની વિદ્યાર્થિનીઓની સમજશક્તિ અને મહેનત તેઓને ભવિષ્યમાં પ્રગતિના પંથે ખૂબ આગળ લઈ જશે આ સાથે તેઓ દ્વારા શાળાની ધો.11 વિજ્ઞાનપ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી પ્રેરણાદાયક પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ રજુ કરેલ વિવિધ પ્રોજેક્ટ રસપ્રદ, આકર્ષક અને સર્જનાત્મક હતાં. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સ્પષ્ટ શબ્દો અને અનોખી શૈલીથી કરી હતી. શાળાની અંગ્રેજી અને ગુજરાતી પ્રાથમિક વિભાગ, મા.અને ઉ.મા.વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફગણે આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. શાળા સંકુલના CEO નુસરતજહાંબેને પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ તેમજ વિચારશક્તિ બિરદાવતાં વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના રફિયાબેન મિર્ઝા અને વિજ્ઞાન વિષયની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું .