ભરુચમાં માનવ અંગો મળવાનો મામલો:મિત્રએ હત્યા કરી શરીરના ટૂકડા અલગ અલગ જગ્યાએ ફેક્યા હોવાની શંકા, મૃતકના ભાઈએ આક્ષેપ સાથેની પોલીસ ફરિયાદ નોંધાવી
ભરૂચમાં છેલ્લા ચાર દિવસથી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. ત્યારે ઘટનામાં આજે મૃતકની ઓળખ થવાની સાથે તેના મિત્રએ જ તેની નિર્મમ હત્યા કર્યાં બાદ તેના શરીરના ટુકડા-ટુકડા કરી સગેવગે કર્યાં હોવાની આશંકા સાથે મૃતકના ભાઇએ ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. હત્યા બાદ મૃતકના મોબાઇલથી માત્ર વોટ્સએપ મેસેજ કરી પરિવારને ચકમો આપવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આજે મૃતકની ઓળક છતી થઈ
અલગ-અલગ થેલામાં સગેવગે કરેલાં માનવ અંગો મળી આવવાના પ્રકરણમાં આખરે આજે મૃતકની ઓળખ છતી થઈ છે. મૃતકનું નામ સચીનકુમાર પ્રવિણસિંગ ચૌહાણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સમગ્ર ઘટનામાં એક બાદ એક કડી જોડવામાં લાગી ગઈ છે. ત્યાં મૃતક સચીનકુમારની હત્યાના કારસામાં તેનો જ મિત્ર શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો છે. શૈલેન્દ્રસિંગે જાતે કે પછી તેના સાગરિતો સાથે મળી સચીનની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવી છે. સચીનના તમામ કપડા કાઢી નાંખી કોઇ ધારદાર હથિયાર કે ઓજાર વડે તેના શરીરના અલગ અલગ ટુકડા કરી ભોલાવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગટરમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
એક સપ્તાહથી સચિનનો ફોન સ્વિચ ઓફ હતો
પોલીસે હાલમાં મૃતકના ભાઇ મોહિતની ફરિયાદના આધારે પ્રાથમિક તબક્કે શૈલેન્દ્રસિંગ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, નોંધવું રહ્યું કે, છેલ્લાં એક સપ્તાહથી મૃતક સચિનનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. બાદમાં વોટ્સએપમાં મેસેજથી કોઈ શખ્સ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યો હતો. જેથી મૃતકના ફોનથી હત્યારાઓ પરિવારને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતાઓ છે. બીજી તરફ પરિવાર ભરૂચ ખાતે આવી પહોંચતાં મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંગે મદદ કરવાને બદલે કાકાનું મૃત્યુ થયું હોવાનું બહાનું કાઢી ભરૂચ છોડી જતો રહેતાં પરિવારની તેના પરની શંકા વધુ પ્રબળ બની હતી.
શું છે સમગ્ર મામલો?
ભરૂચમાં 29 માર્ચના શનિવારના રોજ ભોલાવ GIDCની ગટર લાઈનમાં એક શખ્સનું કપાયેલું માથું મળી આવ્યું હતું. જે બાદ રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળી આવ્યો હતો. જે બાદ સોમવારના રોજ ડાબો હાથ મળી આવ્યો છે. તેમજ આજે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુમાં આવેલી ગટરની અંદરથી કપડાની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપટાયેલો ધડનો ભાગ મળી આવ્યો છે. જોકે, હજુ પગ મળી આવ્યાં નથી. ત્યારે આજે મૃતક કોણ છે તેની ઓળખ થઈ છે.
મૃતક સચિન ચૌહાણ હોવાનો ખુલાસો થયો
પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગઇ તા-28 મી ફેબ્રુઆરીના 25ના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્ની અને પુત્ર સાથે હોળીના તહેવાર કરવા માટે વતનમાં ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકને ત્યાં મુકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો.
સચિનના ભાઇએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
આ બાદ 23મી માર્ચ 25ના સાંજના આઠ વાગે સચિને તેની પત્નીને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી. ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેથી સચીનના ભાઈએ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. ત્યારબાદ તેણે ભરૂચ બસ સ્ટેશન, ભરૂચ રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ઝાડેશ્વર, અંકલેશ્વર વગેરે સ્થળો પર શોધ-ખોળ કરતા તેની કોઇ હકિકત મળી આવેલી ન હોવાથી સગાં-સબંધીઓને ફોન કરી પુછપરછ કરી હતી. જોકે, ક્યાય ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય સચીનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાવી હતી. જોકે આ સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભરૂચ સી ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.