મહેસાણાથી કારમાં આવી સામાનની ચોરી કરતી ટોળકીનો સાગરીત સકંજામાં
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં ઓએનજીસી કંપનીના ખનીજતેલના કૂવા આવેલાં છે.હાલ આમોદ અને જંબુસરમાં ખનીજ તેલના સંશોધન માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આવી સાઇટને નિશાન બનાવી કેબલ સહિતની સામગ્રીની ઉઠાંતરી કરતી મહેસાણાની ગેંગના એક સાગરિતને પોલીસે ઝડપી પાડયો છે. તેની પાસેથી કાર સહિત કુલ 3.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના 6 સાથીદારોને ફરાર જાહેર કરવામાં આવ્યાં છે. જંબુસર તેમજ આમોદ તાલુકામાંથી અલગ અલગ જગ્યાએથી ઓએનજીસીના ભુગર્ભ ઓઈલ સંશોધન માટે નાંખવામાં આવેલ કેબલ વાયરો તથા અન્ય મશીનરીની ચોરી થયા હતા.
ભરૂચ એલસીબી સહિતની પોલીસ આ ટોળકીને ઝડપી પાડવા માટે કવાયત કરી રહી હતી. આ વેળા એલસીબીની ટીમને આમોદ અને જંબુસરમાં થતી કેબલ ચોરીમાં એક ટોળકી મહેસાણાથી ઇકો કાર લઇને આવતી હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાંની સાથે એલસીબીની એક ટીમ મહેસાણા તપાસ માટે પહોંચી હતી. જેમાં મહેસાણાની બિલાલ પાર્ક સોસાયટીમાં રહેતાં વશીમ ઇબ્રાહીમ અલ્લારખા બાદશાહની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં મહેસાણાના યાકુબ અને કાદર સહિત અન્ય 4 ઇસમોની સંડોવણી હોવાની કબૂલાત કરતાં તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયાં છે.
આરોપી પાસેથી મારૂતિ ઈક્કો કાર તથા મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આમોદ અને જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં બે વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. આરોપીને વધુ તપાસ માટે આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
આમોદ અને જંબુસર તાલુકામાં ભુગર્ભ ઓઈલ સંશોધનની કામગીરી ચાલી રહી છે. જયાં ઓએનજીસીનું કામ ચાલતુ હોય ત્યાં માલ સામાન બહાર પડયો હોય ત્યાંથી કેબલ વાયરો તથા અન્ય મશીનરીની ચોરી કરી ગાડીઓમાં ભરી મહેસાણા લઈ જતા અને મહેસાણાના કાદર નામના વ્યક્તિને આપી દેતા હતાં. તેઓ અવાર નવાર ચોરી કરવા માટે મહેસાણાથી ચોરી કરવા માટે ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં આવ્યાં હોવાની આરોપીએ કબૂલાત કરી છે.