ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી તો બીજી તરફ ડાયવર્ઝનના પગલે નબીપુર ચોકડી પર બે કિલોમીટર સુધી લાંબા ટ્રાફિકજામનું નિર્માણ થયું હતું
સમીર પટેલ, ભરૂચ
વિકસતા જતા ભરૂચમાં દિનપ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી.ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિકજામમાં ન ફસાઈ તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બન્ને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલીખમ દેખાયો હતો અને માર્ગ પર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડાયવર્ઝનના કારણે નબીપુર ચોકડી પર 2 કિલોમીટર
સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બોર્ડની પરીક્ષા સુધી એટલે કે તારીખ 17મી માર્ચ સુધી આ આ જાહેરનામું અમલમાં રહેશે.આ તરફ આ માર્ગ પર જ આવેલી ભોલાવ જીઆઇડીસીમાં જતા ભારે વાહનો અટવાયા હતા કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો.