BHARUCHBHARUCH CITY / TALUKO

ખુલ્લી તલવાર સાથેનો ભાજપના હારેલા ઉમેદવારનો વીડિયો વાઈરલ:જંબુસરની કાવી-2 બેઠક પર હાર બાદ વોટ્સએપ ગ્રુપમાં પાણી બંધ કરવાની ધમકી, AAPએ SP પાસે કાર્યવાહી કરવા માગ કરી

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા હેઠળ આવતા દહેગામ વિસ્તારમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કાવી-2 બેઠક પર પરાજય પામેલા ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકનો તલવાર સાથેનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સ્થાનિક સ્તરે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ સાથે જ પરાજયનો બદલો લેવા ગામમાં પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપતા મેસેજ પણ વહેતા થતા મામલો વધુ બિચક્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ જિલ્લા પોલીસ વડા પાસે કાર્યવાહીની માગ કરી છે.
મળતી વિગતો અનુસાર, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કાવી-2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલનો વિજય થયો હતો, જ્યારે ભાજપના શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરિણામો બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ તલવાર લહેરાવતી જોવા મળી રહી છે, જેને પરાજિત ઉમેદવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં, વોટ્સએપ ગ્રુપોમાં ફરતા થયેલા મેસેજમાં આક્ષેપ કરાયો છે કે જે લોકોએ ભાજપને મત નથી આપ્યા, તેવા વિસ્તારોમાં પાણી કાપવામાં આવશે.
આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ મતદારોને ડરાવવાનો અને લોકશાહીના મૂલ્યોને દબાવવાનો હીન પ્રયાસ છે. તેમણે તંત્ર પાસે આ મામલે તટસ્થ અને કડક તપાસની માંગ કરી છે.
ઘટનાની ગંભીરતાને જોતા કાવી પોલીસ હરકતમાં આવી છે. કાવી પોલીસ સ્ટેશનના PI કે.એન.ચૌધરીએ જણાવ્યું કે, વાઈરલ વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તણાવને જોતા વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ દ્વારા બંદોબસ્ત પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ચૂંટણી બાદ લોકશાહીના પર્વમાં આ પ્રકારે શિસ્તભંગ અને હિંસક વલણ સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર માટે અત્યારે શાંતિ જાળવવી એ સૌથી મોટો પડકાર બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!