
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – નશાની હાલતમાં સામાન્ય બોલાચાલી થતા ત્રણ મિત્રોએ જ તીક્ષ્ણ હથિયાર વડે મિત્રની કરી નાખી હત્યા, 1 આરોપી ઝડપાયો 2 આરોપીઓ ફરાર
મિત્રતા એક પવિત્ર અને વિશ્વાસનો સંબંધ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ સંબંધ પર નશાનો અંધકાર છવાઈ જાય ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સામે આવ્યો છે. રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પીને પરત ફરી રહેલા મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી લોહિયાળ ઝઘડામાં ફેરવાઈ હતી, જેમાં દોસ્તોએ જ પોતાના મિત્રની નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસે આ ગંભીર ગુનામાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે

આ ઘટના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વાંસડોલ ગામના રહેવાસી રાહુલ વાઘરી (ઉ.વ. 21) સાથે બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, રાહુલ તેના મિત્રો સાવન વાઘરી, પંખીલ વણકર અને હીમેશ અંસારી સાથે મજૂરી કામ માટે ભિલોડા તરફ ગયો હતો. જોકે, આ સફર રાહુલના જીવનની છેલ્લી સફર સાબિત થઈ હતી.
પોલીસ તપાસ અને અરેસ્ટ મેમો મુજબ ચારેય મિત્રો રાજસ્થાનના ઝાંઝરી બોર્ડર નજીક આવેલા દારૂના ઠેકા પર ગયા હતા. ત્યાં દારૂ પીધા બાદ તેઓ સાંજના સમયે ભિલોડા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઝાંઝરી બોર્ડરથી આગળ હાઈવે પર કોઈ સામાન્ય બાબતે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દારૂના નશામાં ચૂર બનેલા સાવન ગોપાલભાઈ વાઘરી, પંખીલ ડાહ્યાભાઈ વણકર અને હીમેશ ઉર્ફે માર્ટીન પ્રકાશચંદ્ર અંસારીએ એકસાથે રાહુલ પર હુમલો કર્યો હતો.આરોપીઓએ રાહુલની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો રાહુલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. ઘટના બાદ પકડાઈ જવાની ભીતિથી આરોપીઓ રાહુલને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ રાહુલને મૃત જાહેર કર્યો હતો.
શરૂઆતમાં સમગ્ર ઘટનાને અકસ્માતનો રંગ આપવાનો પ્રયાસ થયો હતો. જોકે, ભિલોડા અને ઈડર પોલીસની સંયુક્ત તપાસ તેમજ મેડિકલ પેનલ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની હકીકત સામે આવી હતી. ત્યારબાદ મૃતકની માતા તારાબેન વાઘરીની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સાવન ગોપાલભાઈ વાઘરીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે અન્ય બે આરોપીઓ પંખીલ વણકર અને હીમેશ અંસારીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એક સામાન્ય બોલાચાલી અને નશાની હાલતમાં થયેલો આ વિવાદ એક યુવાનનો જીવ લઈ ગયો. ઘટનાએ ફરી એકવાર સમાજ સામે સવાલ ઉભો કર્યો છે કે વધતી જતી નશાની લત હજુ કેટલા નિર્દોષ યુવાનોને મોતના મુખમાં ધકેલશે?




