2027ની ચૂંટણી માટે ભાજપની વહેલી કવાયત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ‘વન-ડે, વન એસેમ્બલીનો પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિધાનસભા પર વિશેષ ફોકસ: વન-ડે વન એસેમ્બલી’ અભિયાનનો પ્રારંભ
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2027ને હજુ સમય બાકી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યભરમાં ‘વન-ડે વન એસેમ્બલી’ અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા બેઠક પર સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે કોંગ્રેસના પરંપરાગત ગઢમાં પણ જીત મેળવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ અભિયાનના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં વાંસદા વિધાનસભા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા કાર્યક્રમોમાં કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા સંગઠન, યુવા મોરચા તેમજ મીડિયા સાથે અલગ-અલગ બેઠકો યોજી આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.
વર્ષોથી કોંગ્રેસનો ગઢ અને આદિવાસી વિસ્તારની મહત્વની બેઠક ગણાતી વાંસદા વિધાનસભા પર આ વખતે ભાજપે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેઠક કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલનો મતવિસ્તાર હોવાથી રાજકીય રીતે અત્યંત મહત્વ ધરાવે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતવા માટે ભાજપે અત્યારથી જ સંગઠનને સક્રિય કરવાની કવાયત તેજ કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
પોસ્ટર મુજબ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ દિવસભરમાં વરિષ્ઠ કાર્યકરો સાથે સંવાદ, બૂથ સંવાદ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક, જિલ્લાના મોરચાની સંયુક્ત બેઠક, વિકસિત ભારત યુવા સંવાદ, જિલ્લા સંગઠન બેઠક તેમજ મીડિયા સંવાદ જેવા કુલ સાત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દરેક કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી આયોજન, બૂથ મજબૂતીકરણ, કાર્યકરોની સક્રિયતા અને સંગઠન વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નવસારી જિલ્લાના ભાજપના અગ્રણીઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારી ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ,ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, સહિત જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના અને વાંસદા તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વાંસદા APMC ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જનાધિકાર વિકાસ મંચ દ્વારા સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. મંચના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આજના સમયમાં કોઈપણ માહિતી કે સમાચારની સત્યતા ચકાસ્યા વિના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ કરવામાં આવે છે, જેના કારણે સમાજમાં ગેરસમજ, અફવાઓ અને ભ્રામક માહિતીનો વ્યાપ વધી રહ્યો છે.
વક્તાઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયાએ માહિતીના પ્રસારને સરળ બનાવ્યો છે, પરંતુ તેની સાથે જવાબદારીનું પાલન પણ એટલું જ જરૂરી છે. ખોટી માહિતીના કારણે વ્યક્તિ, સમાજ અને લોકશાહી ત્રણેયને નુકસાન પહોંચી શકે છે. તેથી દરેક નાગરિકે કોઈપણ સમાચાર શેર કરતા પહેલાં તેની સત્યતા ચકાસવી જોઈએ.
પત્રકાર પરિષદમાં જવાબદાર અને તથ્ય આધારિત પત્રકારત્વને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરવામાં આવી હતી. પ્રિન્ટ મીડિયા અને જવાબદાર મીડિયા સંસ્થાઓ આજે પણ વિશ્વસનીય માહિતીના મુખ્ય સ્ત્રોત હોવાનું જણાવતાં, સમાજમાં સાચી અને સંતુલિત માહિતી પહોંચે તે માટે પત્રકારો અને નાગરિકો બંનેએ પોતાની ફરજ નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.





