BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં બે નર દીપડા પકડાયા:ઝનોર અને સિંધોત ગામમાં મૂકેલા પાંજરામાં સફળતા, દીપડાઓને ખેરવાડા જંગલમાં છોડાયા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વિભાગે મૂકેલા પાંજરામાં બે નર દીપડા પકડાયા છે.
ઝનોર ગામમાં પાંચ વર્ષનો અને સિંધોત ગામમાં ચાર વર્ષનો નર દીપડો પકડાયો છે.બંને દીપડાઓને નીલકંઠેશ્વર નર્સરી ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અંકલેશ્વર ખાતે તેમને ચિપ લગાવવામાં આવી હતી. આ પછી બંને દીપડાઓને ખેરવાડાના જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તાર ઘટવાના કારણે દીપડાઓ વારંવાર જોવા મળી રહ્યા હતા. છ મહિના પહેલા ઝનોર ગામમાં એક દીપડાએ પાડા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ વન વિભાગના વરેડીયાના ઈનચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર વી.યુ.ચૌહાણ અને રાઉન્ડ ફોરેસ્ટર એસ.પી.યાદવે ભરૂચ આરએફઓ એમ.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ બકરાના મારણ સાથે ઝનોર ગામમાં પાંજરું મૂક્યું હતું.
સિંધોત ગામમાં પણ દીપડાના આંટાફેરા જોવા મળતા હતા. અહીં ત્રણ દિવસ પહેલા મરઘાના મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 5 એપ્રિલના રોજ બંને પાંજરામાં દીપડા પકડાયા હતા. વન વિભાગના અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હવે બંને ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!