Rajkot: હિટવેવ દરમિયાન ખેડૂતો માટે સાવચેતીનાં પગલા જાહેર કરાયા
તા.૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ હીટવેવની સ્થિતિ હોઇ ખેડૂતોએ ખેતી કામોમાં સાવચેતી રાખવા માટેના પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવા, વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવા તથા જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવા, ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવા, બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવા, પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે ચોખ્ખુ અને ઠંડું પાણી આપવા અનુરોધ કરાયો છે.
પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્ય યુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં ચરાવવા માટે લઈ જવાં, બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક ન આપવો જોઇએ. આ સાથે જ કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ માટે ખેડૂતો https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot લિન્ક પરથી મેઘદૂત મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હવામાનની આગાહી અને પોતાના સ્થાન, પાક, પશુધન માટે સ્થાનિક ભાષામાં સલાહ મેળવી શકાશે.
આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.