
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલી કીરલી ગ્રામ પંચાયતના પોલસમાળ ગામમાં સરકારી યોજના અંતર્ગત ચાલી રહેલા ડેમ ઊંડાણ અને પાળ બાંધકામ (પિચિંગ/પ્રોટેક્શન વોલ)નાં કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને બોગસ કામગીરી થઈ રહી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ડાંગ જિલ્લા આઈ.ટી. સેલ(કોંગ્રેસ)ના પ્રમુખ મનીષ કે. મારકણા દ્વારા પોળસમાળ ગામના સમસ્ત ગ્રામજનો વતી આ બાબતે આહવા ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને એક લેખિત આવેદનપત્ર આપીને તાત્કાલિક તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, પોલસમાળ ગામમાં ડેમ ઊંડાણ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું સરકારી કામ હાલ પ્રગતિમાં છે.આ કામમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સી દ્વારા લોકહિતને નેવે મૂકીને અત્યંત નબળી ગુણવત્તાનું અને બોગસ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામમાં સિમેન્ટ, રેતી અને કપચીનું યોગ્ય મિશ્રણ વાપરવામાં આવ્યું નથી. માત્ર ઉપરથી સિમેન્ટનું પાતળું પ્લાસ્ટર કરીને દેખાવ પૂરતું કામ કરાયું છે, જ્યારે અંદરથી આખું માળખું તદ્દન પોલું અને નબળું છે. આ રજૂઆત સાથે ગ્રામજનોએ પુરાવા રૂપે કામગીરીના ફોટા અને વીડિયો પણ રજૂ કર્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સામાન્ય લાકડીના પ્રહારથી પણ આખું સરકારી બાંધકામ ખરી પડ્યું છે અને અંદરથી માત્ર માટી તથા પથ્થરો નીકળી રહ્યા છે.ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો ચોમાસાના સામાન્ય પાણીના પ્રવાહમાં પણ આ પ્રોટેક્શન વોલ અને પાળ તૂટી જશે. જેના કારણે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ વ્યર્થ જશે એટલું જ નહીં,પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાવાની પણ પૂરેપૂરી સંભાવના છે. આવેદનપત્ર દ્વારા DDO સમક્ષ નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ સમગ્ર કામગીરીના સ્થળ પર ઉચ્ચ કક્ષાના ટેકનિકલ અધિકારીઓની ટીમ મોકલીને તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરાવવામાં આવે. આ સાથે જ ગુણવત્તા વિહીન મટીરીયલ વાપરનાર કોન્ટ્રાક્ટર અને સુપરવિઝનમાં નિષ્ફળ ગયેલા જવાબદાર સુપરવાઈઝર કે એન્જિનિયર સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરાઈ છે. આ નબળા કામનું ચૂકવણું (પેમેન્ટ) અટકાવી, બોગસ કામગીરી બંધ કરાવીને સરકારી ધારાધોરણો (SDR/SOR) મુજબ ગુણવત્તાયુક્ત નવું મજબૂત બાંધકામ ફરીથી કરાવવા તેમજ ભ્રષ્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે ઉચ્ચ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે..





