
શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, કેશોદ શાખાની મહત્વપૂર્ણ બેઠક શાખાના સંયોજક શ્રી શંભુભાઈ પાંચાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શાખાના વિકાસ, સભાસદોને વધુ સારી બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં શાખા વિકાસ સમિતિના સભ્યો શ્રી દિનેશભાઈ કાનાબાર, શ્રી મયંકભાઈ રાદડિયા, શ્રી હિતેશભાઈ રાવલ, શ્રી જયેશભાઈ દવે, શ્રી નવીનચંદ્ર વ્યાસ તથા શ્રી ગૌરાંગભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેશોદ શાખાના મેનેજર શ્રી રાજેશભાઈ ઢેબરીયા તથા મેંદરડા શાખાના સર્કલ મેનેજર શ્રી ચેતનભાઈ બાલધા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સર્કલ મેનેજર શ્રી ચેતનભાઈ બાલધાએ જણાવ્યું હતું કે નાના વેપારીઓને સરળ વ્યાજે લોન મળી રહે અને તેઓ વ્યાજખોરો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા વ્યાજના બોજામાં ન ફસાય તે શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો મુખ્ય હેતુ છે. સંસ્થા દ્વારા સામાન્ય તથા નાના વેપારીઓને સરળ પ્રક્રિયા અને વ્યાજબી વ્યાજદરે વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. શાખા મેનેજર શ્રી રાજેશભાઈ ઢેબરીયાએ સંસ્થાની વિવિધ નાણાકીય યોજનાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સભાસદો તથા ગ્રાહકોને બિઝનેસ લોન, ડિપોઝિટ યોજના, નાના ઉદ્યોગ માટેની લોન, હોમ લોન, વાહન લોન, ગોલ્ડ લોન સહિતની વિવિધ નાણાકીય સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ દરમિયાન શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સભાસદ કલ્યાણ યોજના અંતર્ગત સભાસદ સ્વ. ગોરધનભાઈ વાલજીભાઈ સાંચલાના અવસાન બાદ તેમના વારસદાર પુત્રી શ્રીમતી શીતલબેન કૈલાશભાઈ રાઠોડને ₹15,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. શાખાના સંયોજક શ્રી શંભુભાઈ પાંચાણીના હસ્તે આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યો દ્વારા શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સભાસદ કલ્યાણ યોજનાની કામગીરીને આવકારી હતી તથા ભવિષ્યમાં પણ સભાસદોના હિતમાં વધુ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 



