વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૨ માર્ચ : ‘ જલ હૈ, તો કલ હૈ ‘ આજે જ્યારે સમગ્ર વિશ્વ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલ છે અને ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે આગામી ૨૨ માર્ચના વિશ્વ જળ દિવસ તેમજ હાલના હોળીના તહેવાર નિમિતે નોખાણિયા પ્રા. શાળાના બાળકોએ કેમિકલ યુક્ત રંગો અને પિચકારીઓના બદલે કુદરતી રંગોથી એક બીજાને તિલક કરી હોળીની આગોતરી ઉજવણી કરી પાણીનો ખોટો બગાડ અટકાવવા અને તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા સંદેશ આપ્યો હતો. આજે જ્યારે મોટા ભાગના લોકો પાકા રાસાયણિક રંગોથી ધૂળેટી રમે છે, તેનાથી શરીરને નુકશાન થાય છે. કેટલાય દિવસો સુધી આ રંગ જતા નથી અને બિમારીને પણ નોતરે છે. આંખ પર તેની અવળી અસર થાય છે. આ ઉપરાંત મહત્વની વાત છે પાણી બચાવવાની. દેશની આજની સૌથી મોટી સમસ્યા પાણીની છે. પાણી બચાવવું દરેક નાગરિકની પહેલી ફરજ છે. અત્યારે ઠેર- ઠેર તળાવો અને કૂવા સુકાઈ રહ્યાં છે. અત્યારે સ્થિતિ એવી છે કે પાણીનું એક ટીપું પણ વેડફવું ગુના સમાન છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પીવાનાં પાણીની સમસ્યા છે. ત્યારે આપણે બધાએ ભેગા થઈ આ સમસ્યાને દૂર કરવામાં સહભાગી થવું જોઈએ. હોળીના દિવસે પાણીનો ખોટો બગાડ કર્યા વગર ફક્ત તિલક હોળી રમીને તહેવારનો સાચો આનંદ ઊઠાવવો જોઈએ. કુદરતે આપણને ઘણાં કુદરતી રંગ આપ્યા છે. અબીલ, ગુલાલ જેવા રંગથી નુકસાન પણ થતું નથી. એટલે આવા રંગથી કપાળે તિલક કરીને હોળી-ધુળેટીની મજા માણવી જોઈએ તેવો સંદેશ બાળકોએ સૌને આપ્યો હતો. સમગ્ર આયોજન શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, કેશુ ઓડેદરા, નમ્રતા આચાર્ય અને માનસી ગુસાઈએ સંભાળ્યું હતું.