હાંસોટ: પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ

સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલ ખાતે EVM Voting Application દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજાઈ
પ્રાથમિક શાળા સાહોલ ખાતે આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ગુણો તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી બાળ સંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે EVM Voting Machine Application ના માધ્યમથી યોજવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ લોકશાહી વ્યવસ્થાની સમજ કેળવી હતી. ચૂંટણી દરમિયાન ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, આયોજન અને વિકાસલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યારબાદ EVM Voting Application દ્વારા મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પદ્ધતિનો જીવંત અનુભવ મેળવ્યો હતો.શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, જવાબદાર નાગરિકના કર્તવ્યો તેમજ ટેકનોલોજી આધારિત ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રીએ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો અને મતદાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની જાગૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.




