કોલેરા કે લોહીની ઉણપ ઘતાક પણ બને
*જામનગર તાલુકાના મોરકંડા ગામે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
*ગુલાબચંદ રામજી માલદે હાઇસ્કુલ ખાતે ૯૫ વિદ્યાર્થીઓને કોલેરા અને એનિમિયાના રોગો વિષે માહિતી અપાઈ*
જામનગર (નયના દવે)
જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ હેઠળ આવતા મોરકંડા ગામ ખાતે આવેલ શ્રી જી.આર.માલદે હાઇસ્કુલ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના ૯૫ જેટલા વિદ્યાર્થીઓને કોલેરા રોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોલેરા બેક્ટેરિયાથી થતું ઇન્ફેક્શન છે જે વિબ્રિઓ કોલેરા— બેક્ટેરિયાથી થાય છે જે આંતરડાનો તીવ્ર ચેપી રોગ છે. તેના કારણે ઝાડા, ઉલટી થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં જો તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીને ડિહાઇડ્રેશન થઇ શકે છે, તેને આઘાત (શૉક) લાગી શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તે માટે ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ. તેમજ વારંવાર હાથ ધોઈને સ્વચ્છ રાખવા અને અન્ય સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અન્ય વાહકજન્ય રોગ જેવા કે મલેરીયા, ડેન્ગયુ જેવા રોગો ન ફેલાય તેના માટે શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ રોગના વાયરસને રોકવા માટે ઘરમાં અગાસી પર પક્ષી કુંજને સમયસર સાફ કરવું તેમજ ખુલ્લા પાણીનાં ટાંકા ઢાંકી રાખવા જોઈએ.
આ સિવાય એનિમિયા આયર્નની ઉણપથી થઈ શકે છે. શરીરમાં લાલ રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. તેના કારણે થાક લાગવો, શ્વાસોચ્છવાસમાં તકલીફ પડવી વગેરે જેવી સમસ્યા થાય છે. આવા સંજોગોમાં પોષણયુક્ત આહાર, લીલા શાકભાજી, કઠોળ, ઘઉં, બાજરી, રાગી વગેરે પોષણયુક્ત આહાર લેવા અંગે માહિતી અપાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.જીગ્નેશ પટેલ, ડી.એસ.બી.સી.સી. શ્રી ચિરાગ પરમાર, એમ.પી.ડબલ્યુ, એસ.ટી.એસ.શ્રી વિમલભાઈ નકુમ અને પી.એમ.ડબલ્યુ.શ્રી કપિલ લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેને માહિતી આપતી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.
*+++++*