
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા SEZ માં ઔદ્યોગિક કાયદાના ધજાગરા : ૧ લાખ લોકોના ભોજનનો દાવો કરતી કંપનીઓ પાસે એક MBBS ડોક્ટર પણ નથી?!?
૦૦૦
વસ્તી ૩ લાખ વટાવી ગઈ છતાં તંત્ર ઊંઘમાં, સામાજિક કાર્યકર હરેશ મોથારીયાએ માંડ્યો કાનૂની જંગ
મુંદરા, ૦૮ ઓગસ્ટ, ૨૦૨૬ :
દેશના સૌથી મોટા ઔદ્યોગિક SEZ મુંદરા તરીકે વિકસેલા હબ મુંદરા તાલુકામાં શ્રમિકોના સ્વાસ્થ્ય, કાનૂની હક્કો અને સ્થાનિક જનતાની આરોગ્ય સુવિધાઓ સાથે થઈ રહેલા ગંભીર ખિલવાડ અંગે સ્થાનિક સામાજિક અગ્રણી કાર્યકર હરેશ કરમશી મોથારીયા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને એક વિસ્તૃત અને ચોંકાવનારો કાનૂની અહેવાલ મોકલીને આર-પારની લડતનું રણશિંગું ફૂંકયું હોવાનું જાણવા મળે છે.
ખુદ અદાણી ગ્રુપનો સત્તાવાર દાવો વસ્તી વધારાનો જીવતો પુરાવો:
૨૦૧૧ ની જૂની વસ્તી ગણતરી (૧,૫૩,૦૦૦) ને પકડીને બેઠેલું આરોગ્ય તંત્ર વાસ્તવિકતાથી તદ્દન અજાણ છે. તાજેતરમાં જ ખુદ અદાણી ગ્રુપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ મુંદરા અને ખાવડા વિસ્તારમાં ૫૦,૦૦૦ શ્રમિકો માટે એસી આવાસ અને રોજ ૧ લાખ લોકો માટે પૌષ્ટિક ભોજન મળી રહે તેવું વિશાળ રસોડું ઊભું કરવા જઈ રહ્યા છે. ઔદ્યોગિક કમિશનર કચેરી અને કંપનીના આ સત્તાવાર આંકડા જ સાબિત કરે છે કે મુંદરા તાલુકામાં માત્ર શ્રમિકો, કર્મચારીઓ અને તેના આનુષંગિક ધંધાદારીઓ મળીને વાસ્તવિક વસ્તી ૩ લાખથી વધુ હોવાનું મનાય છે. આમ છતાં મુંદરામાં માત્ર 30 બેડની પ્રાથમિક સુવિધા આપતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) જ કાર્યરત છે જે સ્થાનિક લોકોના જીવ સાથે ઘોર ખિલવાડ સમાન છે.
‘ધ ફેક્ટરીઝ એક્ટ, ૧૯૪૮’ અને ‘ગુજરાત ફેક્ટરીઝ રૂલ્સ, ૧૯૬૩’ નું સરેઆમ ઉલ્લંઘન:
સામાજિક કાર્યકર હરેશ મોથારીયાએ તેમના આધારભૂત નિકટના સૂત્ર દ્વારા મેળવેલી વિગતોના આધારે જાહેર કરતા જણાવ્યું હતું કે મુંદરા SEZ વિસ્તારમાં કાર્યરત અનેક મોટી કંપનીમાં વાસ્તવમાં ૧૦,૦૦૦ થી વધુ લેબર કામ કરી રહ્યા છે. પરંતુ ‘ધ ફેક્ટરીઝ એક્ટ, ૧૯૪૮’ ની કલમ ૪૫ અને ‘ગુજરાત ફેક્ટરીઝ રૂલ્સ, ૧૯૬૩’ હેઠળ આવતી મોટી કાનૂની અને આર્થિક જવાબદારીઓમાંથી બચવા માટે આવી કંપનીઓ દ્વારા કાગળ પર આખા પ્લાન્ટને અલગ-અલગ ભાગમાં વહેંચીને સંખ્યાને ૯,૯૯૯ ની મર્યાદામાં બતાવાની ગંભીર વહીવટી ચાલાકી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
કાયદાકીય જોગવાઈઓ અનુસાર:
૧. ફેક્ટરીઝ એક્ટની કલમ ૪૫ (Occupational Health Centre): જ્યાં ૨૦૦ થી વધુ શ્રમિકો હોય ત્યાં ફેક્ટરી પરિસરમાં જ ફુલ-ટાઇમ ક્વોલિફાઇડ MBBS ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ચોવીસ કલાક હાજર રાખવો ફરજિયાત છે.
૨. Ambulance Room Rule: જ્યાં 500 થી વધુ શ્રમિકો હોય ત્યાં અદ્યતન ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને મેડિકલ રૂમ રાખવો કાનૂની રીતે અનિવાર્ય છે.
પરંતુ મુંદરામાં ૧૦,૦૦૦ પ્લસ લેબર ધરાવતી અનેક મોટી ગંજાવર કંપનીઓ હોવાનું ખુદ તેમના અંદરના સૂત્રો સ્વીકારતા હોવા છતાં વાસ્તવિકતા એ છે કે આ કંપનીઓ પાસે શ્રમિકોની કટોકટી માટે એક સાદો લાયકાત ધરાવતો (MBBS) ડોક્ટર પણ ન હોવાનું કહેવાય છે ત્યારે સીચારા અને કાંડગરાની વચ્ચે રોડ પર આવેલા 30 થી વધુ ધમધમતા મેડિકલ સ્ટોર અંગે એક વર્તમાનપત્ર દ્વારા તાજેતરમાં જ ચિંતા વ્યક્ત કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે એમ છે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મુંદરા એક ‘જોખમી ઔદ્યોગિક વિસ્તાર’ (Hazardous Industrial Zone) હોવાથી અહીં ગમે ત્યારે મોટી કેમિકલ કે ઔદ્યોગિક દુર્ઘટના સર્જવાની પુરી શક્યતા રહેલી છે ત્યારે જો આપાત્કાલ સમયે કંપનીઓ પાસે તાત્કાલિક સારવારની વ્યવસ્થાનો ખરેખર અભાવ હોય તો દર્દીને ૫૦ કિલોમીટર દૂર ભુજ કે ગાંધીધામની જિલ્લા હોસ્પિટલ (DH) સુધી લાંબા થવું પડે એમ છે, જેમાં ક્યારેક રસ્તામાં જ ગરીબ શ્રમિકને કીમતી જીવ ગુમાવવાનો વારો આવી શકે એમ છે.
સ્થાનિક તંત્રનો ડર અને સરકારી હોસ્પિટલની બદહાલ સ્થિતિ:
બીજી તરફ તાલુકાનું આરોગ્ય તંત્ર પોતાની સરકારી કામગીરીના વાર્ષિક ટાર્ગેટ વધી જવાના ભયથી આ વાસ્તવિક ૩ લાખની વસ્તીનો સ્વીકાર કરવા તૈયાર નથી. મુંદરા CHC માં હાલમાં માત્ર એક જ ડોક્ટર (MBBS) છે. ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ કે ઓર્થોપેડિક જેવા કોઈ નિષ્ણાંત ડોક્ટરો ઉપલબ્ધ ન હોવાનું જાણવાu મળે છે. આ ઉપરાંત એક્સ-રે ટેકનિશિયનની ભરતીમાં પણ સરકારે ‘BSc with Physics’ ના અવ્યવહારુ માપદંડો રાખ્યા છે જેના કારણે કચ્છ અને મુંદરાના ડિપ્લોમા રેડિયોગ્રાફી કરેલા સ્થાનિક બેરોજગાર યુવાનોને નોકરીની તક મળતી નથી જેના કારણે છેલ્લા ૨૦ વર્ષથી એક્સ-રે મશીન ધૂળ ખાઈ રહ્યું છે.
મુંદરા કેવી રીતે ૧૦૦ બેડની હોસ્પિટલ (SDH) માટે હક્કદાર છે?:
ભારતીય જાહેર આરોગ્ય ધોરણો (IPHS) ના નિયમો સ્પષ્ટ કહે છે કે ૧ થી ૫ લાખની વસ્તી ધરાવતા સબ-ડિવિઝનલ વિસ્તારને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) મળવાપાત્ર છે. ખુદ કંપનીઓ જ્યારે ૧ લાખ લોકો જમી શકે એવા ભોજનાલય બનાવતી હોય ત્યારે ઓછી વસ્તીનું બહાનું પ્રથમ દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખી શકાય એમ જ નથી.
અંતિમ ચીમકી:
સામાજિક કાર્યકર હરેશ મોથારીયાએ સરકારને સીધું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો કંપનીઓની આ કાનૂની આંકડાબાજી સામે શ્રમ વિભાગ (DISH) દ્વારા તાત્કાલિક ઓચિંતી તપાસ કરવામાં નહીં આવે અને મુંદરા CHC ને તાત્કાલિક ધોરણે ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિસ્ટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) માં રૂપાંતરિત કરવાની મંજૂરી નહીં અપાય તો આગામી દિવસોમાં મુંદરાની જનતા અને તમામ શ્રમિક સંગઠનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન, ફેક્ટરીઓનો ઘેરાવ અને માનનીય હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાની ફરજ પડશે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




