અમદાવાદમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે કૉન્ક્લેવનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અંગે કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. આઈ-હબ અમદાવાદ ખાતે યોજાયેલા આ કૉન્ક્લેવમાં કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો, MSME અને નાણાકીય સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવીને નવી તકો ઊભી કરવાની દિશામાં વિચારવિમર્શ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા. તેઓએ ઉદ્યોગ સાહસિકતા અને ટેકનોલોજી વચ્ચેના સંકલન પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, આ પ્રકારના કૉન્ક્લેવ સ્ટાર્ટઅપ અને ખેડૂત કોમ્યુનિટી માટે નવો દોર ઉમેરી શકે છે.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પર ધ્યાન
કૉન્ક્લેવમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટેની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF), પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME), સ્ટાર્ટઅપ સૃજન યોજના અને પીએમ કુસુમ યોજના જેવી યોજનાઓ શામેલ રહી.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડાએ જણાવ્યું કે, કૉન્ક્લેવ કૃષિ પાકોમાં વેલ્યુ એડીશન વધારવા માટે માર્ગદર્શન પૂરુ પાડશે. તેમણે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વિશે માહિતી આપીને ઉમેર્યું કે, કૃષિ પ્રોસેસિંગ ઉદ્યોગોને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સહાય આપવા સરકાર પ્રયત્નશીલ છે.
સ્ટાર્ટઅપ અને માર્કેટિંગના મહત્વ પર ચર્ચા
કૉન્ક્લેવમાં સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકતા અને બ્રાંડિંગના મહત્વ પર પણ ચર્ચા કરવામાં આવી. અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ જણાવ્યું કે, સ્ટાર્ટઅપ માટે ટેકનોલોજી, ઉદ્યોગ સાહસિકતા અને માર્કેટિંગ—આ ત્રણેય મુખ્ય વિષયો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં બ્રાંડિંગ અને માર્કેટિંગ દ્વારા ઉત્પાદકોને વધુ સારા બજારભાવ મળી શકે.
ફિશરીઝ ડાયરેક્ટર ડો. એન.કે. મીનાએ મરીન ફૂડ પ્રોસેસિંગ અને નાબાર્ડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ સ્કીમ અંગે માહિતી આપી. કૃષિ નિયામક પી.એસ. રબારીએ સરકારની પ્રાઇઝ સપોર્ટ સ્કીમ અને FPO માધ્યમથી ખેડૂતોને ઉપલબ્ધ મદદની ચર્ચા કરી.
યોજનાના લાભાર્થીઓના અનુભવ શેર
કૉન્ક્લેવમાં કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓએ પોતાની સફળતા ગાથાઓ રજૂ કરી. તેઓએ પોતાની સ્ટાર્ટઅપ જર્નીમાં સરકારી સહાય અને માર્ગદર્શનથી મળેલા લાભ અંગે પોતાનો અનુભવ શેર કર્યો.
આ કાર્યક્રમમાં હોર્ટિકલ્ચર ડાયરેક્ટર સી.એમ. પટેલ, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર, ઇડીઆઇના પ્રોફેસર અને ડાયરેક્ટર ડો. સત્યરંજન આચાર્ય, આઈ-હબના સીઈઓ હિરન્મય મહાતો સહિત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.