માર્ગ મકાન વિભાગ નવસારી જિલ્લાની ૭ ટીમો દ્વારા માર્ગોનું સતત સર્વેલન્સ અને દૈનિક મરામત કામગીરી ચાલુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં તથા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા માર્ગ વ્યવહાર સુચારુ રહે તે માટે ત્વરિત ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય)ના કાર્યક્ષેત્ર હેઠળ જિલ્લામાં કુલ ૭૦ માર્ગો આવેલા છે. તા. ૨૨/૦૭/૨૦૨૬ના રોજ ભારે વરસાદ કારણે વાંસદા–હનુમાનબારી માર્ગ, વાંસદા–વાસીયા–તળાવ–બોરિયાચ–ખાટાઆંબા–કાણધા માર્ગ તેમજ ચીખલી–ખેરગામ–ધરમપુર માર્ગ સહિતના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસ્થાયી અસર પહોંચી હતી.
પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જે.સી.બી. સહિતના સાધનોની મદદથી યુદ્ધના ધોરણે વૃક્ષો દૂર કરી ટૂંકા સમયમાં જ તમામ અસરગ્રસ્ત માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દીધા હતા, જેના કારણે મુસાફરોને પડતી મુશ્કેલીમાં નોંધપાત્ર રાહત મળી હતી.
વધુમાં, માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા જિલ્લાના માર્ગો પર સતત નજર રાખવા માટે કુલ ૭ વિશેષ ટીમો કાર્યરત રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા તમામ માર્ગોનું સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ અવરોધ સર્જાય તો તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખી શકાય.
ચાલુ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા જિલ્લાના તમામ માર્ગોની રોજિંદી ચકાસણી કરવામાં આવી રહી છે અને જ્યાં જરૂરી જણાય ત્યાં તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી માર્ગોને સલામત અને વાહનવ્યવહારલાયક રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




