
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
હાથવણાટના કાપડથી શરૂ થયેલી સફર આધુનિક ડિઝાઇન અને કલરના સથવારે મોર્ડન ચીજવસ્તુઓમાં પરિવર્તિત થઇ.
સરકારના દેશ-વિદેશના વેચાણ મેળાઓમાં ભાગ લઇને ભુજોડીના કારીગરો બન્યા આંત્રપ્રિન્યોર: ઘર બેઠા દેશ-વિદેશમાં લાખોના માલની નિકાસ સાથે બન્યા આર્થિક સમૃદ્ધ.
ભુજ ,તા – ૦૬ ઓગસ્ટ :ભુજોડી નામ સાંભળતા જ એક એવા ક્રાફ્ટ વિલેજની સિદ્ધિઓ યાદ આવે જે સમગ્ર રાજ્યમાં પોતાના હાથવણાટની કલાકારી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પાંચ સદીની હાથવણાટની કારીગરીને અહીંના કારીગરોએ પોતાના પરસેવાથી સિંચીને વિશ્વકક્ષાના રેમ્પવોકથી લઇને મોટી ફેશનબ્રાન્ડના મોલમાં સ્થાન અપાવ્યું છે. રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઘરે ઘરે નેશનલ એવોર્ડ, રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરો છે. હેન્ડલૂમ ક્ષેત્રે ૫૦થી વધુ એવોર્ડ ધરાવતું ભુજોડી સૌથી વધુ એવોર્ડ વિજેતાનો રેકોર્ડ રાજ્યમાં ધરાવે છે. અહીંના કારીગરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથસાળની બનાવટોને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કરીને વડાપ્રધાન ના સ્વપ્નને સાકાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વણકરોના કૌશલ્ય અને સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવા તથા વોકલ ફોર લોકલની ભાવનાને મજબૂત કરવા દેશવાસીઓને હંમેશા આહવાન કરતા આવ્યા છે, ત્યારે ભુજોડીના કારીગરોએ હાથવણાટની એવી પ્રોડક્ટો માર્કેટમાં મૂકી છે જેને જોઇને દેશના જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ખરીદવા આકર્ષાય છે. ભુજોડીના કારીગરોએ અત્યારસુધી ૩૫ જેટલા નેશનલ એવોર્ડ, ૮ સંત કબીર એવોર્ડ, એક શિલ્પગુરૂ એવોર્ડ સાથે નેશનલ મેરીટ સર્ટિફિકેટ તેમજ રાજ્યકક્ષાના મળીને ૫૦થી વધુ એવોર્ડ મેળવ્યા છે.ભુજોડી ગામે દેશી વણાટ કલાને મોર્ડન ટચ સાથે વર્તમાન બજારમાં ઉતારીને કારીગરોએ તેને એક ઉદ્યોગમાં પરિવર્તિત કર્યો છે. જેમાં માત્ર ગરમ શાલ નહીં પરંતુ ધાબળા, ટેબલ રનર, સાડી, સ્ટોલ, ડ્રેસ, શેત્રંજી, ગાલીચા, નેપકીન ટેબલમેટ, આસન, યોગામેટ, કાલા કોટન કાપડ, દુપટ્ટા, કુર્તા, ગરમ મફલર તથા સ્ટેશનરીની વિવિધ આઇટમો સહિત અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સહયોગથી કારીગરોને દેશ-વિદેશમાં યોજાતા એક્ઝીબિશેનમાં ઉત્પાદનો વેંચવાની અપાતી તકના કારણે ભુજોડી ગામના અનેક કારીગરો વિશ્વના ૧૮થી વધુ દેશો ફરી ચૂક્યા છે. અમેરીકા, આફ્રીકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની સહિત અનેક દેશોમાં આ કારીગરોના કાયમી ગ્રાહકો બંધાયા છે. જે આજેપણ હોલસેલ તેમજ રીટેઇલ ખરીદી માટે ઓનલાઇન તેમજ ભુજોડી ગામની રૂબરૂ મુલાકાત લે છે. ભુજોડીમાં ૩૫૦થી વધુ કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં મહિલા તથા પુરુષ બંનેનો સમાવેશ થાય છે. આજે આ કારીગરો વિદેશમાં મોટા જથ્થામાં માલની નિકાસ કરીને વાર્ષિક નોંધપાત્ર કમાણી કરતા થયા છે. તે જ રીતે ભારતના મોટાશહેરોમાં આવેલા ફેશન ડીઝાઇનરો, બ્રાન્ડ લેબલ તથા વેપારીઓ ભુજોડીથી મોટાપાયે માલની ખરીદી કરે છે. જો સમગ્ર કચ્છની વાત કરીએ તો, ભુજોડી સિવાય પણ અનેક ગામમાં હાથ વણાટથી શાલ, સાડી સહિતનું કામ મોટાપાયે થાય છે. વણકર અને મારવાડા સમુદાયના પરિવારો સુતર અને ઉન પર વણાટ કરીને રંગબેરંગી શાલનું વંશ-પરંપરાગત રીતે ઉત્પાદન કરી રહ્યા છે. કચ્છના અનેક ગામોમાં વણકર કારીગરો પોતાના ઘરે બેસીને વિવિધ ડિઝાઈનની ઊન, સુતર અને સિલ્કથી ભાતિગળ કચ્છી ડિઝાઇનોથી શાલોનું ઉત્પાદન કરે છે.વર્ષ ૨૦૧૧માં જીઓગ્રાફિકલ ઇન્ડીકેશન ટેગ મેળવાર કચ્છી ગરમ શાલના હબ તરીકે વિશ્વ વિખ્યાત ભુજોડીની અત્યારસુધી અત્યાર સુધી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય નેતાઓ કલાકારો તેમજ ક્ષેત્રની હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે. તે સાથે પોતાની અલાયદી હેન્ડીક્રાફ્ટ માર્કેટ ધરાવતા ભુજોડીમાં બારેમાસમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે. અહીં ઘરે ઘરે કારીગરો પોતાની અલાયદી દુકાન ધરાવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજોડીની હસ્તકલાને વખાણી હતી અને વધુને વધુ કલાનો વિકાસ થાય અને વિશ્વ સ્તરે તે માટેના પ્રયાસો કર્યા છે. કચ્છમાં રણ ઉત્સવ વખતે આવતા સહેલાણીઓ ખાસ યાદ કરીને ભુજોડી ગામમાં ખરીદી કરવા આવતા હોય છે.ગુજરાત સરકાર તેના એમ્પોરિયા, પ્રદર્શનો અને ઓનલાઈન માધ્યમો દ્વારા રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ઉપરાંત શિયાળા અને રણોત્સવના દરમિયાન હાથશાળની બનાવટોની ભારે ડીમાન્ડ હોય છે. કચ્છના હાથવણાટની પ્રોડક્ટને વૈશ્વિક બજાર મળે તે માટે તેમને રણોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા વેચાણ પ્લેટફોર્મ આપવામાં આવે છે.વર્ષ ૨૦૦૫ના વણાટકામ ક્ષેત્રેના નેશનલ એવોર્ડ વિજેતા સામજીભાઇ વણકર જણાવે છે કે, મારા પિતાશ્રીને વર્ષ ૧૯૭૪માં વુલન ધાબળા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો, ત્યારથી લઇને આજદિન સુધી અમારા ૬ ભાઇના પરિવારમાં સંત કબીર એવોર્ડ, ૮ નેશનલ એવોર્ડ, યુનેસ્કોનો એક્સલન્સ એવોર્ડ સહિતના અન્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ જણાવે છે કે, ૬ ભાઇના ૩૭થી વધુ પરિવારજનો આ વ્યવસાયમાં સંકળાયેલા છીએ. દેશ-વિદેશમાં માલની નિકાસ કરીએ છીએ. તે સાથે રબારી, આહીર તથા અન્ય વણકર ભાઇ સહિત ૧૪૦થી વધુને રોજગારી આપી રહ્યા છીએ. તેઓ ઉમેરે છે કે, સમય બદલાતા અમે પણ બદલાયા છીએ, આજે ઓનલાઇન વેચાણનો જમાનો હોવાથી ખૂબ મોટાપાયે તેનું વેચાણ કરી રહ્યા છીએ. સાથે જ કેન્દ્ર અને રાજ્યના વેચાણ મેળાઓમાં વિદેશ તથા ભારતના અન્ય રાજ્યોમાં ભાગ લેતા હોઇએ છીએ. આજે સરકારના સહયોગથી અમારો આર્થિક વિકાસ થયો છે. બોકસ- મહિલાઓની ભૂમિકા મહત્વની કોઠાસૂઝથી વારસામાં મળતી આ કળામાં જેટલા પુરુષો પારંગત છે તેટલી જ મહિલાઓ પર સાલ બનાવવાના કામથી લઇને અન્ય પ્રોડક્ટ બનાવવામાં આગળ છે. અનેક મહિલાઓએ નેશનલ તથા રાજ્યકક્ષાના એવોર્ડ મેળવીને પોતાની કલાને પ્રદર્શિત કરી છે. તાણો કાઢવો, બોબીન ભરવા વગેરે પ્રક્રિયા બાદ સાલ બનાવવી પડે છે.બોક્સ- રૂ.૪૦૦થી ૨ લાખ સુધીની પ્રોડક્ટ કારીગરો બનાવે છે રૂ.૪૦૦ થી ૧ લાખ સુધીની પ્રોડક્ટ કારીગરો બનાવે છે. જો શાલ કે સાડીની વાત કરીએ તો સામાન્ય ડિઝાઈન અને ઓછા વર્ક વાળી સાલ રૂ.૪૦૦થી શરૂ થાય છે તેનાંથી વધીને દોઢ લાખ કે બે લાખ સુધીની ઓર્ડર પર બનાવી આપવામાં આવે છે. કિંમતી સાલ કે સાડી બનાવવામાં મહિનાઓ પણ લાગતા હોય છે. બોકસ- કઇ રીતે બને છે કચ્છી ગરમ શાલ શાલની કિંમત તેની ગુણવતા અને ડિઝાઇન પર આધારિત હોય છે. મોંઘી શાલ વનસ્પતિ નિર્મિત કલરના ઉપયોગથી બનાવાતી હોય છે. કારીગરોના જણાવ્યા મુજબ શાલ બનાવવા માટે પ્રથમ ઊનમાંથી તાણો બનાવવામાં આવે છે. એટલે કે તારથી દોરા ગોઠવવાનું કામ કરાય છે જેમાં કાલા કોટન અને વુલનના દોરાનો ઉપયોગ થાય છે. જેમાંથી ૨૪ જેટલી શાલ બને છે. કોઈક તાણામાંથી ૨૩ કે ૨૨ શાલ બને છે. ત્યારબાદ ઘઉંનો લોટ ગરમ કરીને પાણીમાં નાખી આ દોરાને ડૂબાડવામાં આવે છે એટલે આ દોરો મજબૂત બને છે. ત્યારબાદ તેની એક રીલ બનાવી એક પછી એક દોરાને જોઈન્ટ કરી વણાટકામ શરૂ થાય છે. દોરા પ્રમાણે ડિઝાઇન બને છે. એક સાદી શાલ બનાવવામાં બે દિવસ તો મોંઘી શાલ બનાવવામાં કયારેક એક મહિનો પણ લાગી જતો હોય છે. શાલમાં કાલાકોટન એટલે કે કપાસમાંથી બનતાના દોરાનો ઉપયોગ કરાય છે. જે ઓર્ગેનિક છે તેમજ કાપડ બનાવવામાં ઉપયોગ થાય છે.બોક્સ- કચ્છી શાલને મળ્યો છે જીઆઇ ટેગ કચ્છની વિશ્વ વિખ્યાત રંગબેરંગી કચ્છી શાલને ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રની પહેલને પગલે અને વણાટકામનાં કારીગરોનાં સંગઠન એટલે કે કચ્છ વિવર્સ એસોશિએશનના પ્રયત્નોથી કચ્છી શાલને જીઓગ્રાફીક ઇન્ડીકેટર ટેગ મળ્યું હતું. જેથી કચ્છના વિશ્વ પ્રસિદ્ધ વણાટકામને વૈશ્વિક સ્તરે પણ ખ્યાતિ મળી છે.બોક્સ – હાથવણાટના ધાબળામાંથી કચ્છી શાલ સુધીની સફર આ અંગે વર્ષ ૧૯૯૨માં નેશનલ એવોર્ડ વિજેતાશ્રી ગાભુભાઇ વણકર જણાવે છે કે, અમારા વડીલો ૫૦૦ વર્ષથી આ કળા સાથે જોડાયેલા છે. પહેલાના જમાનામાં ઘેટા અને બકરાના ઊનમાંથી હાથવણાટનું કાપડ તથા ધાબળા બનાવાતા હતા. કાપડનો ઉપયોગ વિવિધ સમાજના લોકો પોતાના પારંપરિક પહેરવેશમાં કરતા હતા. સમય બદલાતા પહેરવેશ પણ બદલાયો તેથી કાપડની ડિમાન્ડ બંધ થવા લાગતા અમારા વડીલોએ સૂઝબૂઝ વાપરીને હાથવણાટથી ૫૦ વર્ષ પહેલા કચ્છી ગરમ શાલ બનાવી હતી. ત્યારબાદ આજે વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છીએ જેની દેશ-વિદેશમાં ભારે માંગ છે. સરકાર દ્વારા આયોજીત થતાં વેચાણ મેળામાં ગાભુભાઇ વિદેશમાં ૧૪ દેશોમાં ભાગ લઇ ચુક્યા છે. જ્યારે દેશભરમાં વિવિધ રાજ્યોમાં તેમણે ભાગ લઇને કાયમી ગ્રાહકો મેળવ્યા છે. બોકસ – દેશ-વિદેશના મહેમાનોનું સન્માન કચ્છી શાલથી કરી કારીગરોને અપાતું પ્રોત્સાહન દેશ વિદેશથી ભારત, ગુજરાત કે કચ્છ આવતા વીઆઇપી-ડેલિગેટ્સનું સન્માન કચ્છી શાલથી કરવામાં આવતું હોય છે. જે શાલ સરકાર દ્વારા વિવિધ માધ્યમો મારફતે કચ્છના કારીગરો પાસેથી ખરીદવામાં આવતી હોય છે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર કચ્છના કારીગરોને રોજગારી આપવા સાથે વેશ્વિક ઓળખ અપાવવા પ્રયત્નશીલ છે.
















