તા.૧૧.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના જીવનદીપ આકાશગંગા સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
દાહોદ મહુડીઝોલા, આકાશગંગા સોસાયટી, જીવનદીપ ખાતે ભાડાના એક મકાનમાં રહેતા સન્નીભાઈ રાજુભાઈ મોહનિયા બહારથી માણસો બોલાવી પોતાના ભાડાના મકાનમાં પત્તા પાના નો રૂપિયા વડે હાર જીતનો મોટાપાયે જુગાર રમાડતા હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ મહુડી ઝોલા, આકાશગંગા સોસાયટી, જીવનદીપ ખાતે રહેતા સન્નીભાઈ મોહનીયાના ભાડાના મકાનમાં ઓચિંતો છાપો મારી પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા તમામ જુગારીયાઓ નાસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ તેઓને ચારે બાજુથી ઘેરી લીધા હતાં. અને ભાડુઆત સન્ની ભાઈ રાજુભાઈ મોહનિયાની સાથે સાથે ગરબાડા પોલીસ સ્ટેશન સામે ઘાંચીવાડમાં રહેતા સલમાન જાકીર શેખ, દાહોદ જૂની સિવિલ કોર્ટ રોડ ઘાંચીવાડા નજીક રહેતા તોફિક સલીમ પટેલ, જીવનદીપ સોસાયટી માં રહેતા ચિરાગભાઈ કનુભાઈ બામણીયા, દાહોદ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમ એન્ડ પી હાઇસ્કુલની સામે રહેતા ઇમરાન ઈકબાલ કાગડા, દાહોદ ગૌશાળા ગારીવાડ ખાતે રહેતા મુકેશભાઈ બાબુભાઈ અગ્રવાલ તથા ગલાલીયાવાડ નિશાળ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ ડામોર ને નાસવાની કોશિશ કરે તે પહેલા જ તેઓની ધરપકડ કરી તેઓની અંગ જડતી લઈ રૂપિયા ૩૪,૭૦૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો તથા દાવ પરથી રૂપિયા ૪,૩૦૦/-ની કિંમતની જુદા જુદા દર ની ચલણી નોટો મળી રૂપિયા ૩૯,૦૦૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો તથા રૂપિયા ૨૦,૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૪ મળી કુલ રૂપિયા ૫૯,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ પકડાયેલા જુગારીયાઓ તથા મુદ્દામાલ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી આ સંબંધે ફરિયાદ નોંધાવતા દાહોદ બી ડિવિઝન પોલીસે આ મામલે પકડાયેલા ઉપરોક્ત સાતે જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે