
તા.૧૨.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda:દુધામલી ખાતે જનકલ્યાણ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ,ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ PM-JAY કાર્ડનું વિતરણ કર્યું ધાનપુર તાલુકાના દૂધામલી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ ગમાબેન અભેસિંગભાઈ મોહનિયા, ફતેપુરા-ધાનપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી બચુભાઈ એમ. ખાબડ તથા તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખ સોનલબેન અલકેશભાઈ ભુરીયા દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગ સ્ક્રીનિંગની પ્રક્રિયા તેમજ સ્થળ પર જ એક્સ-રે સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોએ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.આ પ્રસંગે મહાનુભાવોએ ઉપસ્થિત નાગરિકોને ટીબી સહિત અન્ય શ્વસન સંબંધિત રોગોના વહેલા નિદાન માટે સમયસર તપાસ કરાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને તેમજ ગંભીર રોગોને પ્રારંભિક તબક્કે જ ઓળખી સમયસર સારવાર મેળવી શકે. સાથે જ તેમણે વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને PM-JAY યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોર્ટેબલ એક્સ-રે સહિત વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. પોર્ટેબલ એક્સ-રે યુનિટ દ્વારા કુલ 115 લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ હતી.આ કામગીરી દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગ અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે, જે “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયક બની રહ્યું છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યઓ , સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ,આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



