દાહોદમાં વાવાઝોડાના કારણે સ્માર્ટ સીટીનો તોતિંગ બોર્ડ તૂટીને પડતા ત્રણ લોકોના જીવ જતા વહીવટી તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

તા.૦૨.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદમાં વાવાઝોડાના કારણે સ્માર્ટ સીટીનો તોતિંગ બોર્ડ તૂટીને પડતા ત્રણ લોકોના જીવ જતા વહીવટી તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું વિશાળ સાઇન બોર્ડ ધરાશાયી થવાની ઘટના ખરેખર અત્યંત દુઃખદ અને આંચકાજનક છે. વાવાઝોડાના કારણે સર્જાયેલા આ અકસ્માતે ત્રણ નિર્દોષ લોકોના જીવ લીધા છે, જે પરિવાર માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.આ દુર્ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે.
દાહોદ તાલુકાના છાપરી ગામના સક્કરિયાભાઈ મીનામા (ઉંમર આશરે 60 વર્ષ) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તેમજ અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ, બાબુભાઈ બારીયા (આશરે 55 વર્ષ) અને હિંમતભાઈ પરમાર (આશરે 54 વર્ષ) એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.આ અકસ્માત ગરબાડાથી દાહોદને જોડતા હાઈવે પર થયો હતો. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ત્યાં આશરે 40 થી 50 ફૂટ લાંબુ અને હજારો ટન વજન ધરાવતું હેવી સાઇન બોર્ડ (ગેટ) ઊભું કરાયું હતું.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આટલા વિશાળ અને વજનદાર લોખંડના ગેટને સુરક્ષિત રાખવાને બદલે માત્ર નાના નટ-બોલ્ટના આધારે ઊભો કરી દેવાયો હતો. સામાન્ય વાવાઝોડામાં જ આ ગેટ તૂટી પડતાં કામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.તંત્ર દ્વારા લેવાયેલા પગલાં રસ્તો ખુલ્લો કરાયો: ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને વહીવટી તંત્રએ રાત્રે જ ક્રેન અને અન્ય સાધનોની મદદથી સાઇન બોર્ડને હટાવી હાઇવે પર વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.આગળની કાર્યવાહી: મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં મૃતકોના આશ્રિત પરિવારોને યોગ્ય વળતર મળે તેવી લોક માંગ પ્રબળ બની છે.આવી સરકારી અને જાહેર વિકાસના કામોમાં સુરક્ષાના માપદંડોની ઘોર ઉપેક્ષા એ ચિંતાનો વિષય છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક તપાસ થવી જરૂરી છે



