DAHODFATEPURA

બલૈયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ ‘પોર્ટેબલ એક્સ-રે યુનિટ’ની મુલાકાત લીઘી 

તા.૧૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura: PHC સરસવા અંતર્ગત બલૈયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ ‘પોર્ટેબલ એક્સ-રે યુનિટ’ની મુલાકાત લીઘી

મંત્રીએ ટીમની આરોગ્ય સેવાઓને બિરદાવી, કામગીરીની કરી સમીક્ષા ટીબી અને શ્વસન રોગોના વહેલા નિદાન માટે નાગરિકોને એક્સ-રે કરાવવા અપીલ કરી આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી PHC સરસવા અંતર્ગત સબ-સેન્ટર (SC) બલૈયા ખાતે ‘જનકલ્યાણ શિબિર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ત્યાં કાર્યરત ‘પોર્ટેબલ એક્સ-રે યુનિટ’ (Portable X-ray Unit) ની રૂબરૂ મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન મંત્રીને પોર્ટેબલ એક્સ-રે યુનિટની આધુનિક કાર્યપદ્ધતિ, ટીબી (TB) સ્ક્રીનિંગની કામગીરી તેમજ એક્સ-રે કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે આરોગ્ય ટીમ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ આ સેવાની બારીકાઈથી સમીક્ષા કરી હતી અને ગ્રામીણ વિસ્તારમાં આવી ઉત્કૃષ્ટ સેવાઓ આપવા બદલ આરોગ્ય ટીમની કામગીરીને ખુલ્લા મનથી બિરદાવી પ્રશંસા વ્યક્ત કરી હતી.શિબિરમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ટીબી (TB) તથા શ્વાસને લગતી અન્ય બીમારીઓનું જો વહેલાસર નિદાન થઈ જાય તો તેની સારવાર ખૂબ સરળ બને છે. આ માટે તેમણે લોકોને સ્થળ પર જ ઉપલબ્ધ એક્સ-રે સુવિધાનો લાભ લેવા અને સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.આ જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉમટેલા લાભાર્થીઓએ એક્સ-રે સહિતની વિવિધ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. ગામમાં જ પોર્ટેબલ એક્સ-રે યુનિટ દ્વારા ઓન-ધ-સ્પોટ સ્ક્રીનિંગ થતાં લોકોને હોસ્પિટલ સુધી ધક્કા ખાધા વગર ઝડપી, સરળ અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે. પંચાયત અને આરોગ્ય વિભાગના આ સંયુક્ત પ્રયાસથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વેગ મળશે અને લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો

Back to top button
error: Content is protected !!