
તા.૦૮.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બંબેલા સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા હોબાળો, વિદ્યાર્થીઓનો જમવાનો ઇનકાર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના બંબેલા ગામની સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. ભોજનમાં જીવાત દેખાતા જ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જમવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને ભોજન શાળાના પરિસરમાં ફેંકી દીધું હતું.આ ઘટનાની જાણ થતાં જ ચિંતિત વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. મામલો ગરમાતા ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કટારા તાત્કાલિક શાળા પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રૂબરૂ વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સુરેશભાઈ કટારાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “બાળકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.”બીજી તરફ, શાળાના આસિસ્ટન્ટ શિક્ષક કમલાબેન માલીવાડે ભોજનમાં જીવાતો હોવાના આક્ષેપોને તદ્દન નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે શિક્ષકો દ્વારા પણ એ જ ભોજન લેવામાં આવ્યું હતું, તેથી ભોજનમાં કોઈ ખામી નહોતી. હાલમાં આ મામલે વાલીઓ દ્વારા ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે. હવે સરકારી તંત્ર દ્વારા તપાસ થયા બાદ જ આ ઘટનાની સાચી હકીકત સામે આવશે 





