વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે મુખ્ય માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ ગેરકાયદેસર લારી-પાથરણા હટાવી દેવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.લાંબા સમયથી પ્રવર્તતી આ સમસ્યાનાં નિરાકરણથી નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે.મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પોલીસ અધિક્ષકની કચેરીથી બસ સ્ટેન્ડ અને જૂની કોર્ટ વિસ્તારો સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ દબાણ જમાવી દીધુ હતુ.આને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.સાથે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા દૈનિક ધોરણે માથાનો દુખાવો બની રહી હતી.જાગૃત નાગરિકો દ્વારા આ અંગે અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોને પગલે જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યુ અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ અધિક્ષકની કચેરીથી જૂની કોર્ટ વિસ્તાર સુધીના જાહેર માર્ગો પર દબાણ જમાવી અડચણ ઊભી કરનારા તત્વોને હટાવીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.આહવા પોલીસ મથકની આ કાર્યવાહીને પગલે ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે અડિંગો જમાવી બેઠેલા કેટલાક લોકોએ સ્વૈચ્છાએ પોતાનું દબાણ હટાવી લીધું હતું.ઉલ્લેખનીય છે કે આંતરિયાળ વિસ્તારોમાંથી આહવા આવતા અરજદારો અને નાગરિકોને ગેરકાયદેસર લારી-ગલ્લાં અને આડેધડ પાર્ક થતા વાહનોને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારી-પાથરણાં હટાવી માર્ગ મોકળો કરતાં લોકોએ તેમની કામગીરીને બિરદાવી છે.જોકે, રેવન્યુ વિભાગ પણ આહવા ખાતે ફૂટપાથ પર અડિંગો જમાવી બેઠેલા શેડ ધારકોને હટાવીની લોકહિતની કામગીરી કરે તે જરૂરી બન્યું છે.હાલ પૂરતું, ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી આહવાના મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર સુગમ બન્યો છે અને રાહદારીઓ પણ સરળતાથી અવરજવર કરી શકે છે..