AHAVADANGGUJARAT

ડાંગ: આનંદ આશ્રમ ગલકુંડ અને પી.પી. સવાણી યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ સંપન્ન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

“સ્વસ્થ સમાજ – સશક્ત સમાજ”ના સંકલ્પ સાથે આદિવાસી વિસ્તારમાં આરોગ્યસેવાનો અનોખો પ્રયાસ.

ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગલકુંડમાં ગ્રામજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આનંદ આશ્રમ, ઉખાટિયા અને પી.પી. સવાણી યુનિવર્સિટીની હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત સહયોગથી ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનો આયોજન કરવામાં આવ્યો હતો

આ આરોગ્ય શિબિરમાં ગલકુંડ ગ્રામ પંચાયત હેઠળના તમામ ગામોના નાગરિકો તેમજ ગલકુંડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત ૭૦૦થી વધુ લોકો લાભ લીધો હતો. નિષ્ણાત તબીબોની ટીમે વિવિધ પ્રકારના રોગોની તપાસ કરી દર્દીઓને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. સાથે જ આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક જીવનશૈલી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ગલકુંડના આર.એફ.ઓ. વિક્કીકુમાર કનુભાઈ મિસ્ત્રી, જાખાના જિલ્લા પંચાયતના સભ્ય શંકરભાઈ જીવરામભાઈ પવાર, ગલકુંડના સરપંચ સુરેશભાઈ વાઘ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ પ્રકારના આરોગ્ય કેમ્પો આદિવાસી વિસ્તારો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે યોગી અરુણાનંદ મુનિએ તમામ મહેમાનો, પી.પી. સવાણી યુનિવર્સિટીની મેડિકલ ટીમ, સહયોગીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનસેવાના આવા પ્રયાસો સમાજના સહયોગ અને આશીર્વાદથી સતત આગળ વધતા રહેશે અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે.

આ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર સારવાર અને તબીબી સલાહ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!