
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરીને સોશિયલ મીડિયા પર મહિલાને બદનામ કરવાના ગુનાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક અજાણ્યા શખ્સે ફરિયાદી મહિલાના ફોટાનો ઉપયોગ કરી તેનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતુ.આ ફેક પ્રોફાઇલ પર મહિલાના ફોટા સાથે અશ્લીલ અને ગંદી ગાળો લખેલી સ્ટોરીઓ પોસ્ટ કરીને તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.આ અંગે ભોગ બનનાર મહિલાએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના ગુનાઓને શોધી કાઢવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.જેના આધારે આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ શરૂ કરી હતી.આઇટી એક્સપર્ટ મિતેશભાઈ ગવળી અને સ્ટાફના માણસોની ઊંડાણપૂર્વકની વર્કઆઉટને કારણે આ ફેક આઇડી ઓપરેટ કરનાર આરોપીનું લોકેશન આણંદ જિલ્લામાં ટ્રેસ થયું હતુ.પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામેથી ૨૭ વર્ષીય આરોપી યોગેશકુમાર પુનમભાઇ જાદવને દબોચી લીધો હતો અને તેની પાસેથી ગુનામાં વપરાયેલો ₹૩૦૦૦ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ ની કલમ ૬૬(સી) અને ૬૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..





