
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

વઘઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર હુમલાના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસતા-ફરતા આરોપીને વઘઈ પોલીસે ઝડપી પાડતા કાયદો અને વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેડરડી ગામમાં જૂની અદાવતને લઈ થયેલા ઝઘડામાં એક વ્યક્તિ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે વઘઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપી ઘટના પછીથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ માટે સતત પ્રયાસો હાથ ધર્યા હતા.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આરોપી જુકલાભાઈ જુલાભાઈ (આબુભાઈ) પવાર, રહે. કકડકણી ગામ, તા. વઘઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેની લાંબા સમયથી શોધ ચાલી રહી હતી. આરોપીની ધરપકડથી પીડિત પક્ષને રાહત મળી છે તેમજ વિસ્તારના લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વઘઈ પોલીસ ટીમના આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. યાદવ, પીએસઆઈ એસ.સી. ગામીત સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ અધિકારીઓની સતર્કતા અને સતત દેખરેખના પરિણામે ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.




