
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવા ગ્રામ પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ એવાંજીભાઈ ભોયે સામે વ્યાપક અસંતોષને પગલે બહુમતી સભ્યોએ એક થઈને અવિશ્વાસની દરખાસ્ત (નોટિસ) રજૂ કરી છે. ગ્રામ પંચાયતના કુલ ૧૬ જેટલા સભ્યોએ લેખિત નોટિસ પાઠવીને સરપંચ સામે મોરચો માંડ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી સત્તાવાર નોટિસમાં સરપંચ વિરુદ્ધ વહીવટી ગેરરીતિઓ અને મનસ્વી વલણ અપનાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નોટિસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના મુખ્ય ૩ કારણો દર્શાવવામાં આવ્યા છે. સરપંચશ્રી દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ સભ્યોની જાણ બહાર, મનસ્વી રીતે અને પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ચલાવવામાં આવે છે.આહવા ગ્રામ પંચાયતના સરપંચ પોતાની મરજી મુજબ નરેગા (NREGA) યોજના તેમજ તાલુકા કક્ષાના નાણાંપંચના કામોના એગ્રીમેન્ટ કરી, સામાન્ય સભામાં વંચાણે લીધા વિના બારોબાર પોતાની મનગમતી એજન્સીઓને કામો સોંપી વોર્ડ સભ્યોને અંધારામાં રાખે છે.ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં જે વિષયો કે મુદ્દાઓ વંચાણે લેવામાં આવે છે, તે મુજબ વાસ્તવિક રીતે પંચાયતમાં કામો થતા નથી.આ નોટિસમાં આહવા ગ્રામ પંચાયતના કુલ ૧૬ સભ્યોએ પોતાના નામ, સહી અને વોર્ડ નંબર સાથે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. સહી કરનાર સભ્યોમાં રાહુલભાઈ પોપટભાઈ બચ્છાવ (વોર્ડ-૩), સાકેરાબેન આસિફભાઈ શાહ (વોર્ડ-૧૫), યશમંતીબેન નરેન્દ્રભાઈ ગાવિત (વોર્ડ-૯), સરલાબેન સંજયભાઈ સોલંકી (વોર્ડ-૧૬), મનીષાબેન હરીશભાઈ બાગુલ (વોર્ડ-૧૩), રિયાઝભાઈ મુનશીભાઈ શેખ (વોર્ડ-૪), લતાબેન અમિતભાઈ ખ્રિસ્તી (વોર્ડ-૨), આકાશભાઈ દિલીપભાઈ ચૌધરી (વોર્ડ-૫), સુભદ્રાબેન અશોકભાઈ બખાવ (વોર્ડ-૧૧), હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત (વોર્ડ-૧૦), સરિતાબેન કિશનભાઈ પટેલ (વોર્ડ-૦૧), અને શર્મિલાબેન સંજયભાઈ દેશમુખ (વોર્ડ-૧૪) સહિતના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.તમામ સભ્યોએ લેખિતમાં જાહેર કર્યું છે કે આ નોટિસમાં દર્શાવેલી તમામ વિગતો તેમની ઉત્તમ જાણ અને માન્યતા પ્રમાણે સાચી છે. બહુમતી સભ્યો દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાતા હવે આહવા ગ્રામ પંચાયતનું શાસન પલટાશે કે કેમ તે અંગે આગામી દિવસોમાં યોજાનારી ખાસ સભામાં નિર્ણય લેવાશે.આ અવિશ્વાસની નોટિસને પગલે સમગ્ર ડાંગ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે..



