AHAVADANG

ડાંગ દરબારની સાથે સાથે, ડાંગના રાજ અને રજવાડાની વાતો;બાગલાણ દેશના બાગુલ રાજાઓ પછીનો ડાંગનો સમય

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

સંકલન:મનોજ ખેંગાર-તા: ૨૫:

દંડકારણ્યમાં ‘ડાંગ દરબાર’ના પડઘમ સંભળાય એટલે અહીંનો ઇતિહાસ આળસ મરડીને બેઠો થાય.

આઝાદી પહેલાનું ડાંગ, કંપની સરકારના તાબા હેઠળનું ડાંગ, અને મોગલ તથા નિઝામ સલતનના તાબા હેઠળના વિસ્તારોમાં ડાંગ, અને ડાંગના રાજા રજવાડાની ભૂમિકાના ઇતિહાસમાં ડોકિયું કરવાનું મન થાય, એ જેટલું સ્વાભાવિક છે તેટલું જ નવી પેઢી માટે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે ‘ડાંગ દરબાર’ ના આ દિવસો દરમિયાન, ડાંગના સમગ્રતયા ઇતિહાસ ઉપરથી પડદો ઉઠાવવાનો, અને ડાંગને દુનિયા સમક્ષ અધિકૃત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરનારા શોધકર્તા શ્રી ગોવિંદભાઇ પટેલના શોધકાર્યમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક ઘટનાઓ અત્રે પ્રસ્તુત છે. જે ડાંગને જાણવા અને માણવા માંગતા રસિકજનો માટે ઉપયોગી થઈ પડશે.

-સમગ્ર ભારત ખંડમાં મોગલોની સત્તા પ્રસરી રહી હતી. દક્ષિણ ભારતમાં નિઝામ સત્તા ઉપર હતા. બાગલાણ દેશ ઉપર મરાઠાઓ અને બાગુલ રાજવંશો વહીવટ કરતા હતા. કાળક્રમે બાગુલ રાજાઓ નબળા પડતા ગયા. આ સમય દરમિયાન બાગલાણમાં સત્તાના ફેરફારો થતા રહ્યા.

– ૧૬૩૭માં મોગલોના દક્ષિણના સુબેદાર ઔરંગઝેબે, હિંદૂ રાજય બાગલાણની રાજધાની મુલ્હેર કિલ્લા ઉપર હુમલો કર્યો. પરંતુ કિલ્લા ઉપરના કિલ્લેદાર કાશીરાજ અમાત્યાએ મોગલોના આક્રમણને પાછો હટાવી દીધો.

૧૬૩૮માં મોગલોએ દગાફટકાથી ફરી હુમલો કરી મુલ્હેરનો કબજો લીધો, અને કિલ્લા ઉપર મોગલોએ ઝંડો ફરકાવ્યો.

-૧૬૩૯માં બાગુલ વંશીય રાવ તુળારામે મોગલોને હરાવી, મુલ્હેર કિલ્લો કબજે કર્યો. જ્યાં રાવ તુળારામ પછી જયદેવ રાજા રહ્યા. ૧૬૪૯માં ફરીથી મુલ્હેર કિલ્લા ઉપર મોગલોએ સત્તા હાંસલ કરી.

– ૧૬૫૦માં મરાઠાઓ અને બાગુલ રાજાઓએ સંગઠન કરી છત્રપતિ શિવાજી મહારાજની આગેવાનીમાં સ્વરાજ્યની લડત ચલાવી, મોગલોને હરાવ્યા. મુલ્હેર કિલ્લા ઉપર બાગલાણના રાજા તરીકે ગણપતરાવ બાગુલને શિવાજી મહારાજે સત્તા સોંપી, અને સાલેરની વ્યવસ્થા લહુજી જાદવને સોંપી.

– ૧૬૫૩માં મોગલોએ ફરીથી મુલ્હેરનો કબજો લીધો, અને ૧૬૬૩ સુધી બાગલાણ ઉપર મોગલોનો ઝંડો ફરકતો રહ્યો, અને તેમની આણ વર્તાતી હતી. ૧૬૬૨ ના સમય દરમિયાન મુલ્હેર કિલ્લાની તળેટીની જમીન ઉપરના અધિકાર જંગ્યા ભીલના પુત્ર અંકુશરાવ પાસે હતો.

– સને ૧૬૭૦માં છત્રપતિ શિવાજી મહારાજની હિંદુ સ્વરાજ્યની લડત દરમિયાન, સુરત ઉપરની બીજી સવારી કરી. બાગલાણના ૨૩ આદિવાસી રાજાઓએ મદદ કરી. તે વખતે મોગલો સાથે લડાઈ કરી, બાગલાણ અને સાલ્હેર-મુલ્હેર કિલ્લા જીત્યા. ૧૬૭૫માં મોગલોએ વાંરવાર સાલ્હેર-મુલ્હેર કબજે કરવા હુમલાઓ કર્યા. જેમાં તેઓ સફળ થયા નહિ.

– સને ૧૬૮૯માં સાલ્હેર-મુલ્હેર અને બીજા કિલ્લાઓ મોગલોએ જીતી લીધા. આ કિલ્લાઓ નામ પૂરતા મોગલ સત્તા નીચે હતા. મુલ્હેર કિલ્લા ઉપર દેવીસીંગ બુંદેલા કિલ્લેદાર હતા. ત્યાર બાદ ૧૬૯૨માં મનોહરદાસ ગોંડની ઔરંગઝેબે નિમણુંક કરેલી.

-સને ૧૭૦૩માં બાગલાણ વિસ્તારમાં ૧૧ વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો.

સને ૧૬૭૫/૧૬૯૩ દરમિયાન શિવાજી મહારાજના અવસાન (૧૬૮૦) પછી મરાઠા સત્તા, વારસોના ઝગડામાં અટવાઈ ગઈ. ઔરંગઝેબના અવસાન (૧૭૦૭) પછી મોગલ સલ્તનત હચમચી ગઈ, નબળી પડી. ૧૭૨૩ માં મોગલ અને મરાઠાઓની રાજસત્તા નબળી પડતા, નિઝામે સત્તા વધારવાના પ્રયત્નો કરતા રહ્યા હતા, અને તેમણે મુલ્હેરનો કબજો લીધો.

સને ૧૭૬૮માં સતારા ગાદીના છત્રપતિ સાહુ મહારાજ અને તેમના પેશ્વા બાજીરાવ બલ્લાળે અને મરાઠાઓએ બાગ્લાણનો કબજો લીધો. સાલ્હેરનો અધિકાર ગાયકવાડ ધરાનાને સોંપ્યો.

૧૭૯૪મા ફરીથી નિઝામે સત્તા મેળવી. ૧૭૯૫માં ફરીથી મરાઠા પેશ્વા બાજીરાવ બલ્લાળ સાથેની લડાઈમાં નિઝામ સરકારે સાલ્હેર, મુલ્હેર વિગેરે કિલ્લાઓ, સ્વરાજમાં પેશ્વાને સુપ્રત કર્યા. પેશ્વાએ મુલ્હેર કિલ્લાના સર સુબેદાર પદ બાલાજી સખારામને આપ્યું. ત્યાર પછી ગોવિંદ ત્રીંબક પંતને આપ્યુ. તે ૧૮૦૭ સુધી કિલ્લેદાર હતા. સને ૧૮૧૩ સુધી રાધાભાઈ ગરુડ હતા. સાલ્હેર કિલ્લાના સરસુબેદાર પદ બાલાજી સખારામ પાસે હોવા છતાં, તે પેશ્વાએ સાલ્હેરનો અધિકાર ગોવિંદરાવ ગાયકવાડની પત્ની ગહીનાબાઈ ને સાડી ચોળી તરીકે ભેટ આપ્યો હતો. આ સમય દરમિયાન પેશ્વાએ હોળકરને સુરગાણાનો અધિકાર આપ્યો.

– હતગઢ (હાદગઢ) કિલ્લાનો અધિકાર કિલ્લેદાર સરસેનાપતિ તરીકે પદ્મામા નાઈક બાગુલ, ત્યારબાદ જીવાજી નાઈક બાગુલ કોંકણીને સોંપવામાં આવ્યો હતો. જેનો દેશગાંવના તામ્રપત્રમાં ઉલ્લેખ છે.

-સને ૧૮૦૪ દરમિયાન આ પ્રદેશમાં બીજા બાજીરાવ પેશ્વા સત્તા ઉપર હતા. તેમણે અંગ્રેજોનો સામનો કર્યો, જે સફળ થયા નહી. જેથી તેમણે અંગ્રેજ કંપની સરકારની તૈનાતી ફોજની સત્તા માન્ય કરી. મુલ્હેર કિલ્લો અંગ્રેજોના તાબામાં આવ્યો. તે સમયે બાગલાણમાં મુલ્હેરના વહીવટ કરતા પ્રતાપરાવ દેશમુખ હતા. તેમજ ૨૩ જેટલા આદીવાસી ભીલ રાજાઓ પોતાના રાજનો વહીવટ કરતા થયા. જેમાં ડાંગ વિસ્તારમાં ૫ રાજાઓ, ૯ નાઇકો વહીવટ કરતા.

– સને ૧૮૧૫ના અરસામાં પિઢારાઓએ ટોળીઓ ભેગી કરી ગામો લુંટવાની શરૂઆત કરી. બાગલાણમાં કાલેખાન પેંઢારા (પીંઢારા) એ નામપુર, સોમપુર, પીંપળનેર, અંતાપુર અને મુલ્હેર વિગેરે લૂંટયા. મુલ્હેરના પાંચ મજલી (પાંચ માળ)ની દેશમુખ વાડી લુંટી, સળગાવી દઈ નષ્ટ કર્યા. જેથી શ્રીપતરાવ દેશમુખ વડોદરા તરફ નીકળી ગયા. સ્થાનિક ભિલ રાજાઓએ સામનો કર્યો પરંતુ ફાયદો થયો નહી. છેવટે કંપની/અંગ્રેજ સરકારે લશ્કરી કાર્યવાહી કરી, પિઢારાઓના લુંટફાટ બંધ કરાવ્યા.

– સને ૧૮૧૭ દરમિયાન અંગ્રેજ કંપની સરકારે મરાઠાઓ, પેશ્વા અને હોળકર સાથે લડાઈ કરી. સાલ્હેર તથા ઘણા કિલ્લાઓ, શહેરો કબજે કર્યા. આ સમયે અંગ્રેજોનો વિરોધ કરનારા પેશવા (પેશ્વા)ના સરદાર ત્રંબકજી ડેંગળું મુલ્હેર કિલ્લા ઉપર હતા. તેમને આહીર ગામના પાટીલે બે લાખની લાલચમાં પકડાવી દીધા. બાદ ડેંગળેનું કેદમાંજ નિધન થયું.

– સને ૧૮૧૮માં બ્રિટીશ (અંગ્રેજ) સરકારે મુલ્હેર કિલ્લા ઉપર ઝંડો ફરકાવ્યો. તે વખતે કિલ્લેદાર રામચંદ્ર જનાર્દન ફડણવીશ હતા, તેમણે સામનો કર્યો. ભિલ રાજાઓએ પણ સામનો કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહિ. પરિણામે દેશમુખની દેશ્મુખી જપ્ત થઇ. ભિલ રાજાઓના અધિકારો જપ્ત થયા. જુલ્મી રાજવટ અંગ્રેજોએ શરૂ કર્યો. ભિલ રાજાઓએ સામનો કરવાની શરૂઆત કરી.

– ડાંગમાં અંગ્રેજોને પ્રવેશવા દીધા નહી. જેથી અંગ્રેજોએ રાજા-નાઈકો અને પ્રજામાં ધાક બેસાડવા માટે તેજ વખતે, ૧૮૧૯માં ગોવિંદ નાઈક, દશરથ નાઈક, કાળુ નાઈક, રૂપસિંગ નાઈક, જીવાજી નાઈક, અને ગાઢવીના શીલ્પત સિંગ નાઈક વિગેરે આગેવાનો હતા, તે તમામને ફાંસી આપી. તેના કારણે સંઘર્ષ ખુબ જ વધી ગયો.

– વાંરવાર ઘર્ષણો, લડાઈઓ ચાલુ થઇ ગઈ. અંગ્રેજોએ મુલ્હેર-ખાનદેશ કબજે કર્યા પછી, ડાંગની જંગલ સંપતિથી આકર્ષાઇને તેનો લાભ મળે તેવું લાગતા ડાંગ પ્રદેશનો કબજો લેવાના પ્રયત્નો શરૂ કર્યા.

-અંગ્રેજો, શિક્ષિત, બુધ્ધીશાળી, ચાલાક, કપટ નીતિઓમાં પારંગત, દુનિયામાં રાજ કરનારા અનુભવી, વ્યાપારી કુશળતા ધરાવતા હતા. છતા પણ ડાંગ પ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારના અટપટા રસ્તાઓ, પગદંડીઓથી પરિચીત ન હતા. તેઓની પાસે લડવા માટે અદ્યતન હથિયારોમાં બંદુક, તોપ ગોળા, તલવાર, જુદી જુદી જાતના ધાતુના હથિયારો, ઘોડાઓ, વાહનો હતા. તેઓ મજબુત શરીરવાળા હતા.

-જયારે ડાંગની રાજા-પ્રજા અજ્ઞાની, ભોળા, ખાવા માટે કંદમૂળ ઉપર નભતા. અપૂરતો ખોરાક હોવા છતા ખડતલ હતા. હથિયારોમાં ધનુષ્ય બાણ (રામાયણ કાળથી), તલવારો, ગીલોલ, ધાતુ-પત્થરના હથિયારોમાં પારંગત હતા. જંગલ અને પહાડી પ્રદેશના અટપટા રસ્તાઓથી પરિચિત હતા. તેના કારણે અંગ્રેજો પાસે અદ્યતન હથિયારો હોવા છતા, ડાંગના રાજાઓ અને પ્રજા ઝૂક્યા નહિ. અંગ્રેજોને તેમના રાજ્યમાં દાખલ થવા દીધા નહી. તેઓ માતૃભૂમિ પ્રત્યેની ભક્તિવાળા, ખુમારી વાળા, ખમીરવંતા હતા.ખડતલ લડાયક ભોળા ભલા, પ્રમાણિક હતા. માતૃભૂમિ માટે બલિદાનો આપતા. અંગ્રેજો સાથેની પ્રત્યક્ષ લડાઈમાં પહાડી ટેકરીઓ અને જંગલનો લાભ લઇ હુમલો કરી, ગુમ પણ થઈ જતા. લોકો માટે રાજાનો હુકમ આખરી રહેતો.

-અંગ્રેજોએ ડાંગ પ્રદેશ કબજે કરવા વાંરવાર પ્રયત્નો કર્યા. તેમ છતા રાજાઓ તાબે થતા ન હતા. છેવટે અંગ્રેજોએ તેમનો સામનો કરનારાઓને કડક શિક્ષા, ઘાતકીપણાની સખત સજા, અને જુલ્મો શરૂ કર્યા. ફાંસી આપવી, હાથ પગ બાંધી ને ઝાડ ઉપર ઉંધે માથે લટકાવી, નીચે લાકડા સળગાવી તેમાં મરચાં નાખી ગૂંગળાવી, ગરમીથી રીબાવી રીબાવી મારી નાખતા. કેટલાકને ડુંગરની ઉંચી ટેકરી ઉપરથી સીધી ખડકની ભેખડો ઉપરથી ફેંકી ગબડાવી દેતા, તલવાર-બંદુકની ગોળી મારી મોતની સજા કરતા.

-અંગ્રેજોના આવા જુલ્મો સામે પણ રાજા અને પ્રજા ઝુકી નહિ. રાજા નાઇકોને મારી નાખવામાં આવતા, છતાં નવા આગેવાનો રાજા–નાઈકો ઉભા થતા ગયા, સામનો કરતા રહ્યા. માતૃભૂમિ અને વન સંપતિ માટે વીર સપૂતો લડતા રહ્યા. બલિદાનો આપતા રહી ડાંગની સંસ્કૃતિ ટકાવતા રહ્યા. અંગ્રેજોને ડાંગમાં ઘુષણખોરી કરતા અટકાવતા રહ્યાં. આ અગાઉ પણ સ્થાનિક રાજાઓએ રાજવહીવટ માટે મોગલો અને નિઝામને ઘુસવા દિધા ન હતા.

-અંગ્રેજો સાથે ડાંગ પ્રદેશના રાજાઓ-નાઈકો સાથે ઘર્ષણ વધી જતા અંધાધૂંધી ફેલાઈ ગઈ. આનો ઉપાય કાઢવા માટે અંગ્રેજોએ ૧૮૨૨ દરમિયાન ખાનદેશના બ્રીગ્જ કલેક્ટરને સત્તા આપી. તેઓએ ડાંગના રાજાઓ સાથે વાટાઘાટો સમાધાન કરવા પ્રયત્નો શરૂ કર્યા.

-સને ૧૮૨૩ સાલમાં બ્રીગ્જ કલેક્ટરે મધ્યસ્થી કરતા ઉપાય કાઢયો, કે ભિલ રાજા-નાઇકોને જંગલ જમીનના અધિકારો આપવા, તથા દર વર્ષે પગાર/વર્ષાસન આપવું. જે માટે ઇ.સ.૧૮૪૧માં અંગ્રેજો અને રાજા-નાઇકો વચ્ચે પુના ખાતે સમાધાન ના કરાર થયા. બાદ અંગ્રેજો ડાંગમાં વહીવટ કરતા થયા. ઇમારતી લાકડા-વાંસનો વેપાર શરૂ કર્યો. રાજા-નાઈકો પ્રજાને નામ પૂરતા લાભ આપી વન સંપતિની આવકથી પોતાના દેશની તિજોરી ભરતા થયા. આ બાબતે લેખક ડેવિડ હાર્ડીમેનનું પુસ્તક “પાવર ઇન ધી ફોરેસ્ટ ઇન ધી ડાંગ્સ” માં ૧૮૨૦ થી ૧૮૪૦નો આ સમય વર્ણવવામાં આવ્યો છે.

સને ૧૮૪૧ સાલમાં ડાંગ પ્રદેશના આહવા ખાતે ડાંગ દરબાર ભરીને રાજા-નાઈકોને માનની તલવાર, પત્રો સિક્કાઓ, અને પેન્શન/વર્ષાસન તેમજ પાઘડી સાથે ખૂબ મોટુ સન્માન કરવામાં આવ્યું. ૧૮૫૭ માં ભીલવાડ (માંગી તુંગી) ગામે પેહલો આદિવાસી મેળો ભરી ક્રાંતિની યોજના ઘડીને સત્યાગ્રહ શરૂ કરાયો. જેનાથી બળવાની આગ હિન્દુસ્તાનમાં ફેલાઈ, અને બ્રીટીશોના નાકે દમ લાવી દીધો હતો.

લોર્ડ ડેલ હાઉસી દ્વારા સુધારણાના નામે રેલ્વેની જાળ પ્રસારવામાં આવી. રેલ્વેના સ્લીપર માટે ડાંગ, બાગલાણના સાગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો. સને ૧૮૬૯મા બાગલાણ પ્રાંતનું વિભાજન કરી, અહમદનગર અને નાશિક જિલ્લા કર્યા, અને બાગલાણ તાલુકો બન્યો.

ડાંગ સ્વતંત્ર સ્ટેટ જિલ્લો બન્યો. અહીં સ્થાનિક રાજાઓ રાજકર્તા રહ્યા.

-સને ૧૮૭૫માં બાગલાણ તાલુકાનું વિભાજન થઇને સટાણા, કળવણ અને માલેગાંવ તાલુકાઓનું નિર્માણ થયું

-સને ૧૯૧૦ પછી સ્થાનિક રાજાઓએ અંગ્રેજો સામે બંડ પોકાર્યું. ૧૯૧૧માં બ્રીટીશોએ દેશમુખ વાડા ઉપર ધાડ પાડી, કાગળ પત્રો સળગાવી દિધા.

-સને ૧૯૨૧મા બ્રિટીશોએ મુલ્હેર કિલ્લા ઉપર તોડફોડ કરી. સાલ્હેર અને સાલ્હોટાનો અધીકાર છેવટ સુધી વડોદરાના ગાયકવાડ ધરાના પાસે જ હતા. જેમાં ત્રીજા સયાજીરાવ ગાયકવાડે સાલેરગઢની તળેટીમાં, મહેસુલી કામ માટે કચેરી શરૂ કરી, જે આજે પણ છે.

-સને ૧૯૪૨/૪૩માં ડાંગનું જંગલ ડાંગી રાજાઓ પાસેથી પટૃે લેવાનું કંપની સરકારે નક્કી કર્યું, અને ભીલ રાજાઓને તે વખતે વાર્ષિક બાર હજાર, બસોને ત્રીસ (રૂા.૧ર,ર૩૦/-) આપવાનું ઠરાવાયુ. સને ૧૯૪૭માં ભારતને આઝાદી મળી.

-ત્યારબાદ પ્રતાપસિંહ ગાયકવાડ રાજાએ સાલ્હેરની દેખભાળ કરી. સને ૧૯૪૭માં ગાયકવાડ રાજાઓએ સાલ્હેર વિસ્તાર ભારત સંઘમાં જોડી દીધો. સને ૧૯૬૦મા ગાયકવાડ રાજાએ સાલ્હેર ઉપરનો હક છોડયો.

-આઝાદી બાદ રાજાઓના વહિવટદાર તરીકે અહીં મામલતદાર-કમ-રાજા દફતરના દિવાન ફરજ બજાવતા. આ અધિકારી રાજાઓના વાલી તથા સંરક્ષક ગણાતા. તેમના નાણાંકિય વ્યવહારો પણ આ જ અધિકારી મારફત થતા.

– ઇ.સ.૧૯૫૭/૫૮માં ડાંગ જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના થઇ. તે વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના વિભાજનની ઐતિહાસિક તવારીખ આલેખાઇ રહી હતી. દ્વિભાષી મુંબઇ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગ પ્રદેશ માટે પણ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ખેંચતાણ શરૂ થઇ. ડાંગ જિલ્લા લોકલ બોર્ડની ઐતિહાસિક ચૂંટણીના પરિણામ ઉપર એ નિર્ભર કરતુ હતું કે ડાંગ પ્રદેશ મહારાષ્ટ્રમાં રહેશે, કે ગુજરાતમાં જશે.

આ ખટપટ ઇ.સ.૧૯૬૦ સુધી ચાલી. દરમિયાન ડાંગના કાર્યકરોએ રાષ્ટ્રીય આગેવાન શ્રી જવાહરલાલ નહેરૂને મળી ડાંગની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા. પંડિતજી સમજ્યા, ત્યાર બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુ સાથે પણ મુલાકાત ગોઠવાઇ. આખરે ડાંગ ગુજરાતમા જોડાય એવુ નક્કી થયું, અને સને ૧૯૬૦ની ૧લી મેનાં દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતા ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાયો.

સને ૧૯૭૮ સાલમાં ગાયકવાડ ધરાના તરફથી આવતું વર્ષાસન બંધ કરાયું.

આ રાજકિય ઉથલપાથલ વચ્ચે પણ ડાંગ પ્રદેશના પાંચ રજવાડાના સાંપ્રત સમયના રાજવીઓ, કે જેમને રાજ્ય સરકાર દ્વારા તત્કાલિન ગવર્મેન્ટના એક ઐતિહાસિક ચૂકાદાના ભાગરૂપે આજની તારીખે પણ વાર્ષિક સાલિયાણું આપવામાં આવે છે. જે સંભવતઃ ભારતભરની એકમાત્ર ધટના છે.

Back to top button
error: Content is protected !!