
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતના નવવર્ણિત પ્રમુખ રાજેશ ગામીતનું રાજ્ય સ્તરે પણ ભવ્ય સન્માન થતુ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ રાજ્યના આદિજાતી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ રાજેશ ગામીતને ખેસ પહેરાવી, પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી સન્માનિત કર્યા હતા.ડાંગ જેવા આદિવાસી બહુલ જિલ્લામાંથી ઉભરી આવેલા એક સક્ષમ યુવા નેતૃત્વને આ મહત્વની જવાબદારી મળતા જ સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો, ભાજપ તેમજ આદિજાતી મોરચાના કાર્યકરોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે. આ વરણીથી સંગઠન અને જિલ્લાના કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ રાજેશ ગામીતને જિલ્લાના વિકાસ કાર્યોને અગ્રીમતા આપવા તેમજ આદિવાસી સમાજના ઉત્થાન અને હિત માટે સક્રિયપણે કામગીરી કરવા ખાસ આહ્વાન કરી શુભકામનાઓ પાઠવી હતી.સામે પક્ષે, પ્રમુખ રાજેશ ગામીતે પણ આ મળેલા રાજ્ય સ્તરના સન્માન બદલ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડાંગ જિલ્લાના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સન્માન સમારોહ દરમિયાન ભાજપ તથા આદિજાતી મોરચાના અનેક પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..





