વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ,ખાસ કરીને મલ્ટીપર્પઝ સાંસ્કૃતિક ભવન અને સનરાઇઝ પોઇન્ટનાં બ્યુટીફિકેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને સરકારી ગ્રાન્ટનો ઘોર દુરુપયોગ થયાની ગંભીર આશંકાઓ ઉભરી રહી છે.સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા આ કાર્યોમાં “નકરી વેઠ ઉતારવામાં આવતી” હોવાની અને સરકારી નાણાનો ખુલ્લેઆમ દુરોપયોગ થતો હોવાની ફરિયાદોનો રાફડો ફાટ્યો છે.જેના કારણે સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો અન્યાયી બોજ પડી રહ્યો છે.
પ્રવાસન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે નિર્માણાધીન સાંસ્કૃતિક ભવનનાં ગુણવત્તાના પ્રશ્નોને કારણે ભારે ચર્ચામાં છે.સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના મતે આ ભવનનાં બાંધકામમાં સરકારી ધારાધોરણોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા સળિયાની ગુણવત્તા શંકાસ્પદ છે અને રેતીમાં માટીનું પ્રમાણ એટલું વધારે છે કે તે બાંધકામના પાયાને નબળો પાડી શકે છે.આ બેદરકારીનો તાજેતરનો અને ચોંકાવનારો પુરાવો ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલા જ જોવા મળ્યો છે.અકાળે થયેલા કમોસમી વરસાદમાં ભવનનાં સ્લેબમાંથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે, જે ઇજારદાર દ્વારા કરવામાં આવેલી અત્યંત તકલાદી અને બેદરકારીભરી કામગીરીની પોલ ખુલ્લી પાડે છે.કરોડોના ખર્ચે બની રહેલા આ ભવનની આવી નબળી ગુણવત્તા ભવિષ્યમાં તેની સલામતી અને ટકાઉક્ષમતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.અને તે સરકારી ભંડોળના કચરા સમાન છે.સાપુતારાનાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમાન સનરાઇઝ પોઇન્ટના બ્યુટીફિકેશનનું કાર્ય પણ છેલ્લા એક વર્ષથી અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું છે.આ પ્રોજેક્ટનાં શંભુમેળીયા કામકાજના કારણે સનરાઇઝ પોઇન્ટ પ્રવાસીઓ માટે લાંબા સમયથી બંધ છે.આનાથી સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં ભારે નિરાશા અને નારાજગી વ્યાપી છે, કારણ કે સનરાઇઝ પોઇન્ટ પર સૂર્યોદયનો નજારો માણવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે.કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા આ બ્યુટીફિકેશનનો મૂળ હેતુ પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડીને આકર્ષવાનો હતો, પરંતુ તેના અત્યંત વિલંબિત અને અપૂર્ણ કાર્યને કારણે તે વિપરીત અસર કરી રહ્યું છે,અને પ્રવાસીઓને અસુવિધા વેઠવી પડી રહી છે.આ તમામ પ્રોજેક્ટ્સમાં સૌથી આઘાતજનક અને ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના આ મહત્વના કામોના સુપરવિઝન માટે કોઈ જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.સુપરવિઝનના આ ગંભીર અભાવે ઇજારદારોને બાંધકામના નિયમો અને ગુણવત્તાના ધારાધોરણોનો ભંગ કરવા માટે જાણે કે છૂટોદોર મળ્યો હોવાની વ્યાપક ચર્ચા છે.સરકારી ધારાધોરણો વિનાના મટીરીયલ્સનો ઉપયોગ અને “નકરી વેઠ” ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો સુપરવિઝનના અભાવને કારણે જ સાચા પડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આ સ્થિતિ સૂચવે છે કે પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારામાં પ્રવાસીઓને ભૌતિક સુવિધાઓના વિકાસના નામે માત્ર કાગળ પર જ યોજનાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મોટાભાગની યોજનાઓ તકલાદી અને ગુણવત્તાવિહીન બની રહી છે.આનાથી સરકારના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે અને પ્રવાસીઓને કોઈ નક્કર સુવિધા મળી રહી નથી. સાપુતારાના સ્થાનિક જાગૃત આગેવાનો અને નાગરિકો દ્વારા આ સમગ્ર પ્રકરણની સઘન અને નિષ્પક્ષ તપાસની તાત્કાલિક માંગ કરવામાં આવી છે. સાંસ્કૃતિક ભવન અને સનરાઇઝ પોઇન્ટની તકલાદી કામગીરી અને તેમાં આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે, જેમાં રાજ્યના સર્વોચ્ચ વહીવટી સ્તરેથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જોકે આ પ્રકરણની તટસ્થ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાના સરકારી ભંડોળના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે, અને દોષિતોને કાયદાના કઠેડામાં લાવી શકાય છે. જોકે આ સંવેદનશીલ મુદ્દે પ્રવાસન વિભાગ ક્યારે જાગૃત થશે અને આ ગંભીર ફરિયાદોને ધ્યાને લઈ તાત્કાલિક અસરકારક પગલાં ભરશે? શું સરકાર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી, સરકારી નાણાંનો દુરુપયોગ રોકશે અને સાપુતારાના વિકાસ માટે ખરેખર પ્રતિબદ્ધતા દર્શાવશે ?આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.જોકે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..